Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મેંગણીમાં રાવણા જાંબુ તોડતી વખતે ડાળ તૂટીઃ સગર્ભા પટકાતાં જન્મ સાથે જ બાળકનું મોત

નવ માસનો ગર્ભ હતોઃ માતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૭: કોટડા સાંગાણીના મેંગણી ગામે કિશોરભાઇની વાડીમાં રહી પતિ સાથે રહી ભાગીયું વાવવામાં મદદ કરતી ગોધરા પંથકની સગર્ભા રાવણા જાંબુ તોડવા ઝાડ પર ચડતાં ડાળી તૂટતાં નીચે પટકાતાં પ્રસુતિની પીડા ઉપડી ગઇ હતી. તેણીને સારવાર માટે રાજકોટ પદ્દમકુંવરબા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ બાળકનું જન્મ સાથે જ મૃત્યુ નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મેંગણી ગામે રહેતી મણી મુકેશ સારેલા (ઉ.વ.૨૩)ના પેટમાં નવ માસનો ગર્ભ હતો. રવિવારે તે વાડી પાસેના રાવણા જાંબુના ઝાડ પર રાવણા તોડવા ચડતાં ડાળ તૂટતા પડી ગઇ હતી. એ સાથે જ પ્રસુતિની પીડા ચાલુ થઇ જતાં તાકીદે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત બાળકનો જન્મ થયો હતો. મણીની તબિયત બગડતાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ તબિબી પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ એન્ટ્રી નોંધી કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી.

(12:01 pm IST)