Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વાંકાનેરમાં મોડી રાત સુધી વરસાદ વરસ્યો

વાંકાનેર, તા., ૭: મોન્સુન-ર૦૨૧ તેના નિયમીત નિર્ધારીત સમયથી થોડુ વહેલુ મહારાષ્ટ્રમાં દસ્તક દઇ ચુકયું હોઇ ગુજરાતમાં નૈઋુત્યના ચોમાસાનું આગમન હાલ તેની આગળ ધપવાની ગતીને જોતા કદાચ ૧૫ જુન પહેલા પણ થઇ શકવાની સંભાવના રહે છે. જો કે આ ગાળા દરમ્યાન બંગાળની ખાડીમાં ચક્રવાત જેવું કંઇ આકાર લેશે તો કદાચ ચોમાસુ સમયપત્રકની નિયમીત તારીખો ખોરવાઇ શકે છે. જો કે હાલ રાજયમાં મોન્સુન નહી પણ પ્રિમોન્સુન રૂપી વર્ષા કયાંકને કયાંક વરસી રહી છે. તે પૈકી ગઇકાલે રવીવારે વાંકાનેરમાં ગાજવીજ સાથે બપોર બાદ દોઢેક ઇંચથી વધુ વરસાદ વરસતા લોકોને ગરમીમાં અલ્પ રાહત થઇ હતી.

બપોર બાદ ભારે ઝાપટુ અને ત્યાર બાદ મોડી રાત્રી સુધી ધીમી ગતીએ વરસેલા આ પ્રિમોન્સુન વરસાદથી શહેરમાં ઠેરઠેર પાણીના ખાડાઓ ભરાઇ ગયા હતા. વાંકાનેર આસપાસ પાંચેક કિ.મી.ના વિસ્તારમાં પણ ધીમા વરસાદના અહેવાલો  આવી રહયા છે. જો કે રાત્રે વરસાદની ગતી ધીમી થયા બાદ પણ ભારે વિજ કડાકા-ભડાકાનો દૌર યથાવત જોવા મળ્યો હતો. આશ્ચર્ય એ જોવા મળ્યું હતુ કે વિજ પુરવઠો જરા પણ ખોરવાયો નહોતો.

(11:59 am IST)