Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા જો હૂકમી સામે

ઉપલેટા બંધનું એલાન પાછું ખેંચાયુ

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા તા.૭: છેલ્લા દોઢ વર્ષે ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહયો છે. ત્યારે સરકાર દ્રારા કોરોનાની મહામારી વધુ ન ફેલાય અને લોકો જાહેરમાં એકઠા ન થાય તે માટે જુદા-જુદા જાહેરનામા બહાર પાડી તેમનો અમલ કરાવવા પ્રયત્નો કરે છે. પરંતુ આ અમલવારીમાં ઉપલેટા પોલીસ દ્વારા કાયદાનો અતીરેક થતો હોય અને લોકોને કાયદાની સગવડતા ને બદલે અગવળતા ઉભી થતી હોય આ અંગે ચેમ્બર્સે ઓફ કોમર્સ પાસે વેપારીઓની ફરીયાદ આવતા ચેમ્બર્સના પ્રમુખ વીનુભાઈ ધૈરવડાએ શહેરના તમામ રાજકીય પક્ષોના આગેવાનોને સાથે રાખી ઉપલેટા મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓને આવેદન આપી પોલીસની કામગીરી સામે રોષ વ્યકત કરી કંટ્રોલ કરવાની માંગણી કરેલ હતી. આ પછી પણ પોલીસના વર્તનમાં કોઈ ફર્ક ન પડતા ચેમ્બર્સ ઓફ કોમર્સે તમામ વેપારી એસોશીએશનની મીટીંગ બોલાવી મંગળવારે ઉપલેટા બંધનું એલાન આપવાનું નકકી કરતા આ મામલો ગરમાયો હતો.

આ સમગ્ર બનાવની જાણ રાજકોટ જીલ્લા પોલીસ વડાના ચાર્જમાં રહેલ ડી.વાઈ. એસ.પી. સાગર બાગમારના ધ્યાનમાં આવતાં તેઓ ઉપલેટા આવેલ અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વીનુભાઈ ધેરવડા ઉપલેટા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, ગુજરાત કિશાન સભાના આગેવાન ડાયાભાઈ ગજેરા વેપારી આગેવાનો નીલુભાઈ ગોંધીયા, કેતનભાઈ કાલાવડીયા, નાથાભાઈ ચંદ્રવાડીયા, હારૂનભાઈ માલવીયા, લાલાભાઈ ધાબી, લખમણભાઈ ભોપાળા, સહિતના આગેવાનોને બોલાવી તેઓ સાથે ચર્ચા કરી આ બાબતે તમામ વિગતો જાણી ઘટતું કરવાની ખાત્રી આપતા મંગળવારનું બંધનું એલાન હાલ પુરતું મોકુફ રાખેલ હતું.

આ અંગે ચેમ્બર્સે ઓફ કોમર્સના પ્રમુખ વીનુભાઈ ઘેરવડાએ જણાવેલ હતું કે પોલીસના ઉચ્ચ અધિકારીએ ધટતું કરવાની ખાત્રી આપેલ હોય તેથી ૨-૪ દિવસ જોઈ આવનારા દિવસોમાં ગામ બંધ રાખવું કે શું કરવું તે અંગે નકકી કરી વેપારીઓને જાણ કરવામાં આવશે. હાલના સમયે મંગળવારનું બંધનું એલાન સ્થગીત કરેલ છે તથા જો પોલીસ પોતાના વર્તનમાં સુધારો નહિ લઈ આવે તો હવે ફરીથી બંધનું એલાન કરાશે તેમ જણાવેલ હતું.

(11:58 am IST)