Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ગોહિલવાડમાં મ્‍યુકરમાઇકોસીસમાં ૧ અને કોરોનાથી ૧ મોત : ૧૯ કેસ

મોરબી-હળવદ તાલુકામાં પાંચ કેસ : સોરઠમાં ૫૬ કેસ : ગારીયાધારના સરકારી કર્મચારીએ ૫૫ દિ'એ કોરોનાને હરાવ્‍યો

ગારીયાધારના સરકારી કર્મચારીએ કોરોનાને મ્‍હાત આપી હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ થતા ત્‍યારની તસ્‍વીર. (અહેવાલ : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

રાજકોટ,તા. ૭: ભાવનગર જીલ્લામાં મ્‍યુકરમાઇકોસીસના ૭ કેસ નોંધાયા બાદ તેનાથી એક અને કોરોનાના ૧૨ કેસ નોંધાયા બાદ તેનાથી એક મોત થયું છે.

મોરબી-હળવખ તાલુકામાં પાંચ કેસ અને જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૫૬ કેસ નોંધાવા પામ્‍યા છે.

ભાવનગર જિલ્લામાં ૧૨૫  દર્દી સારવાર હેઠળ

ભાવનગર : જિલ્લામાં આજરોજ મ્‍યુકર માઇકોસીસનાં ૭ સસ્‍પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૫ કેસ નોંધાયા છે. જિલ્લામાં મ્‍યુકર માઇકોસીસથી ૧ દર્દીનું સારવાર દરમ્‍યાન અવસાન થયેલ છે.

જિલ્લામાં કુલ ૧૨૫ કેસ નોંધાયેલા પૈકી ૧૧૪ કન્‍ફર્મ કેસ, ૯ સસ્‍પેક્‍ટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જયારે આજદિન સુધીમાં ૧૨ દર્દીઓના સારવાર દરમ્‍યાન અવસાન થયેલ છે.

ભાવનગરમાં ૨૪ દર્દીઓ કોરોનામુકત

જિલ્લામા વધુ ૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્‍યા ૨૧,૩૩૦ થવા પામી છે. શહેરી વિસ્‍તારમાં ૪ પુરૂષ અને ૩સ્ત્રી અને તાલુકાઓમાં ૪ પુરૂષ અને ૧સ્ત્રી મળી કુલ ૧૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્‍યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્‍તારમા ૪ અને તાલુકાઓમાં ૨૦ કેસ મળી કુલ ૨૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્‍ત થતા તેને હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૩૦ કેસ પૈકી હાલ ૪૬૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૧ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી

મોરબી : તાલુકામાં ચાર જયારે હળવદ તાલુકામાં એક મળીને જીલ્લામાં નવા ૦૫ કેસ નોંધાયા છે આજે ૧૪ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૪ કેસો જેમાં ૦૧ ગ્રામ્‍ય અને ૦૩ શહેરી વિસ્‍તારમાં, હળવદ તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્‍ય પંથકમાં મળીને નવા ૦૫ કેસ નોંધાયા છે જીલ્લામાં ૧૪ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે મોરબી જીલ્લામાં એક્‍ટીવ કેસનો આંક ઘટીને ૪૩ થયો છે.

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો : ગ્રામ્‍યમાં વધુ રસીકરણ

જૂનાગઢ : જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો યથાવત રહ્યો છે તો બીજી બાજુ ગ્રામ્‍યમાં વધુ રસીકરણ નોંધાયુ છે.

જિલ્લામાં શનિવારે નવા ૬૧ કેસ નોંધાયા બાદ રવિવારે કેસ ઘટીને ૫૬ થયા હતા. અને આ બે દિવસમાં ૨૪૪ દર્દીઓએ કોરોનાને પરાજય આપ્‍યો હતો.

અનલોકની સ્‍થિતી વચ્‍ચે જૂનાગઢ જિલ્લામાં મૃત્‍યુદર પણ ઝીરો થઇ ગયો છે. ગઇ કાલે પણ સદનસીબે એક પણ કોવીડ દર્દીનું મૃત્‍યુ નોંધાયું ન હતું.

દરમ્‍યાન રસીકરણની કામગીરી વધું વેગવંતી બની છે. જો કે રવિવારે રજા હોવા છતાં જૂનાગઢ શહેરી વિસ્‍તારમાં ૨,૨૦૦ લોકોએ રસી લીધી હતી. પરંતુ ગ્રામ્‍યમાં ૩,૧૨૮ લોકોનું રસીકરણ થતા ગઇ કાલે એક જ દિવસમાં કુલ ૫૩૭૮ વ્‍યકિતએ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી.

૪૦ ટકા ઓકિસજન લેવલ અને ફેફસાનું ૯૦ થી ૯૫ ટકા સંક્રમણ છતાં સારવાર બાદ કોરોનાને મ્‍હાત આપી

ભાવનગર : રાજયમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. ફ્રન્‍ટલાઈન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે દર્દીઓની ડિસ્‍ચાર્જની સંખ્‍યા ધીમે-ધીમે વધી રહી છે.

આવી જ લાંબી સારવાર બાદ ડિસ્‍ચાર્જ થયેલાં ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગના વર્ક આસિસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવતાં ૫૩ વર્ષીય પંકજભાઈ હરગોવિંદભાઈ દવેએ રસીના બંને ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ આવતાં અને ૪૦ ટકા ઓક્‍સિજન લેવલ સાથે ફેફસાંમાં ૯૦ થી ૯૫ ટકા સંક્રમણ હોવા છતાં ૫૫ દિવસની લાંબી સારવાર બાદ સર ટી. હોસ્‍પિટલના બીછાનેથી કોરોનાને મ્‍હાત આપી બેઠાં થયાં છે.

બે મહિના પહેલા ભાવનગર જિલ્લા પંચાયતમાં એકસાથે ૩૫ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્‍યાં હતાં. તેમાં મૂળ ગારિયાધારના વતની પંકજભાઈ હરગોવિંદભાઈ દવે પણ હતાં. આ સમયે સમગ્ર જિલ્લા પંચાયતને કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોન જાહેર કરીને બંધ કરવામાં આવી હતી.

કોરોના વોરિયર તરીકે તેમણે કોરોના રસીના બંન્ને ડોઝ લીધા બાદ તા.૭ મી એપ્રિલના રોજ ઉધરસ આવતા કોવિડ ટેસ્‍ટ કરાયો, જે પોઝિટીવ આવ્‍યો. હોમ આઇસોલેટ બાદ શ્વાસ લેવામાં ખૂબ સમસ્‍યા હોવાથી તેમને સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્‍યાં. પરંતુ ઓક્‍સિજન લેવલ ૪૦ સુધી દ્યટી ગયેલું હોવાથી તેઓને તા.૧૧ એપ્રિલના રોજ ગારિયાધારથી એમ્‍બ્‍યુલન્‍સ મારફત વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યાં. જયાં તેમની સ્‍થિતિ જોઈને તેમણે બાયપેપ પર રાખવામાં આવ્‍યાં.ᅠᅠ

૮-૧૦ દિવસની સારવાર બાદ તબિયતમાં સુધારો આવતાં ૨૪ એપ્રિલ ના રોજ તેમને એન.આર.બી.એમ પર રાખવામાં આવ્‍યા. તા.૨૬ એપ્રિલના રોજ જનરલ વોર્ડમાં શિફ્‌ટ કરવામાં આવ્‍યા. ત્‍યાં રાત્રે એકાએક તબિયત બગડતા ફરી આઇ.સી.યુ. માં દાખલ કરવામાં આવ્‍યા અને ફરીથી બાયપેપ પર રાખવામાં આવ્‍યાં.

તેમને ૯૦ થી ૯૫ ટકા ફેફસાંનું ઇન્‍ફેક્‍શન હતું. આ સાથે તેમનું ડી-ડાયમર ૫૦૦૦ થી ૬૦૦૦ અને ઓક્‍સિજન લેવલ ૬૦ ટકા જેટલું હતું. જેથી તેમને બાયપેપ પર રાખવામાં આવ્‍યા. દરમિયાન તેમને રેમડેસિવીર સહિતની સારવાર આપવામાં આવતાં તબીબોની સારવાર અને પંકજભાઈની મનની મક્કમતાના લીધે તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો હતો.

જેથી સિવિલમાં દાખલ કરાયાના ૩૦ દિવસ બાદ તેમને ૧૫ લિટર ઓક્‍સિજન સાથે એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્‍યા.

સર ટી. હોસ્‍પિટલના ડોક્‍ટરો દ્વારા સારવારની સાથે માનસિક રીતે મજબૂત કરવાં કાઉન્‍સેલિંગ તેમજ એકસરસાઈઝ, ચેસ્‍ટ ફિઝીયોથેરાપી સહિતની સારવાર આપવા છતાં તેમનો ઓક્‍સિજન લેવલ સુધરતું નહોતું.

આ રીતે સતત ૪૫ દિવસ સુધી સારવાર આપ્‍યા બાદ સી.ટી. સ્‍કેન કરવામાં આવ્‍યું તો પણ પંકજભાઈના ફેફસામાં ઇન્‍ફેક્‍શન દૂર થતું નહોતું.

પરંતુ પંકજભાઈની આંતરિક શક્‍તિ અને કુદરતની મહેરબાની અને સર ટી. હોસ્‍પિટલની સતત સેવા સુશ્રુષાને કારણે બીજા ૮ દિવસની સારવારમાં પંકજભાઈના ઓક્‍સિજના લેવલમાં સુધારો થયો અને ફરી સીટી સ્‍કેન કરતાં તેમા ૨૫/૧૫ પોઇન્‍ટનો રિપોર્ટ આવ્‍યો.ᅠᅠ

પરિવાર તેમજ તબીબોમાં જુસ્‍સો વધ્‍યો અને સારવારમાં ધીમે ધીમે સુધારો થયો અને અંતે ૫૪ દિવસની સારવારના અંતે ઓક્‍સિજન લેવલ ૯૦ આસપાસ આવતાં તેમને વોકિંગ કરાવવામાં આવ્‍યું તો પણ વાંધો ન આવ્‍યો.

પંકજભાઈની તબિયતમાં નોંધપાત્ર સુધારો હોવાથી નોર્મલ ૧ લીટર ઓક્‍સિજન પર રાખવામાં આવ્‍યાં. પરિવારની વિનંતીથી અને સંપૂર્ણ સ્‍વસ્‍થ થઈ જવાથી ૫૫ દિવસની સારવાર બાદ તા.૪ જૂન ના રોજ તેમને સર ટી. હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સર ટી હોસ્‍પિટલના તબીબો તેમજ પેરામેડિકલ સ્‍ટાફમાં એસો.પ્રોફેસર એનેસ્‍થેસિયા ડો.લોપાબેન ત્રિવેદી,ડો.કોમલબેન શાહ,ડો.શિલ્‍પાબેન દોશી,ડો.ચંદ્રિકાબેન પંડ્‍યા,ડો.ચૈતાલી બેન શાહ,ડો વનરાજ ચૌહાણ અને મેડિસિન વિભાગના ડો સુનિલ પંજવાણી ,ડો.પન્ના કામદાર,અલ્‍પેશ વોરા,ઇલા હડિયલ,પંકજ અમોલકર, કૃણાલ તલસાણીયા, જિજ્ઞાબેન દવે, નિશાદ ગોગદાની,, રેસી.ડોકટરો, વોર્ડ બોય, નર્સિંગ સ્‍ટાફ સહિતનાઓની કાળજીભરી સારવાર કરી કોરોના સંક્રમણથી બચાવ્‍યા હતાં.

આ તકે પેશન્‍ટ પંકજભાઈ દવેએ સરકારી હોસ્‍પિટલનો આભાર માનતાં જણાવ્‍યું હતું કે, સર ટી. હોસ્‍પિટલમાં મને જે સારવાર મળી છે તે કદાચ બહારની ખાનગી હોસ્‍પિટલમાં મળી ન હોત.

(11:06 am IST)