Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

હવે વંથલીની કેસર કેરી બજારમાં આવી : કિંમતો ઘટી

વાવાઝોડાને કારણે ઉત્પાદન-ભાવ પર મોટી અસર : દર વર્ષે બજારમાં છેલ્લે આવતી વંથલીની કેસર કેરીની આવક હવે શરૂ થઈ : કિંમતો ઘટતા ખેડૂતો ભારે નિરાશ

જુનાગઢ, તા. ૬ : જુનાગઢના વંથલી યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. કેરીની સિઝન દરમિયાન વંથલીની કેસર કેરી સૌથી છેલ્લે બજારમાં આવે છે અને દરરોજ પાંચ થી સાત હજાર બોક્સ કેરીની આવક થાય છે. તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાને કારણે વંથલીની કેસર કેરીને ભારે નુકશાન થયું છે અને કેરીની આવક તથા ભાવ બન્ને પર વાવાઝોડાની અસર જોવા મળી છે. બાગાયતી ખેડૂતોને હજુ સુધી નુકશાનીનું કોઈ વળતર નહીં મળતાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

 ફળોના રાજા ગણાતી કેસર કેરી તેના સ્વાદ માટે જગ વિખ્યાત છે. તેમાં પણ જુનાગઢની કેસર કેરી તેના સ્વાદ અને તેની સોડમથી લોકપ્રિય છે. જો કે હવે તો સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજ્યમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે પરંતુ જૂનાગઢ આસપાસની તાલાળા ગીર અને વંથલીની કેસર કેરી ખુબ જ જાણીતી છે.

 ઉનાળો શરૂ થતાં બજારમાં કેસર કેરીનું આગમન થાય છે અને લગભગ ચોમાસાં સુધી કેરી બજારમાં જોવા મળે છે. આ સમગ્ર કેરીની સિઝન દરમિયાન વંથલીની કેસર કેરી સૌથી છેલ્લે બજારમાં આવે છે એટલે હવે જ્યારે વંથલીની કેરી બજારમાં આવી ગઈ છે. મતલબ કે કેરીની સિઝન પૂર્ણ થવામાં છે. વંથલીની કેરી બજારમાં આવી ગયા પછી લગભગ કોઈ કેરી બજારમાં આવતી નથી અને કેરીની સિઝન પૂરી થઈ જાય છે.

 વંથલી યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે અને દરરોજ અંદાજે પાંચ થી સાત હજાર બોક્સની આવક થાય છે અને ભાવ ૩૦૦ રૂપીયા થી લઈને ૬૦૦ રૂપીયા પ્રતિ બોક્સ સુધીના રહે છે. વંથલીની કેરી સ્વાદમાં મીઠી હોય છે અને વ્યાજબી ભાવની હોય છે. તેથી તેની માંગ રહે છે. પરંતુ ચાલુ વર્ષે તૌકતે વાવાઝોડાને લઈને વંથલી યાર્ડમાં કેરીની આવક અને ભાવ બન્ને પર અસર જોવા મળી છે. જ્યાં સામાન્ય સિઝનમાં દરરોજ ૨૦ થી ૨૫ હજાર બોક્સની આવક થતી હતી ત્યાં આજે પાંચ થી સાત હજાર બોક્સની આવક થઈ છે આમ આવકમાં ઘટાડો થયો છે. કારણ કે વાવાઝોડામાં ભારે પવનના કારણે મોટા ભાગની કેરીઓ ઝાડ પરથી ખરી ગઈ હતી. તેની સામે કેરીના ફળને પણ નુકશાન થયું છે અને ભાવમાં પણ માર પડ્યો છે, ૪૦૦ થી ૭૦૦ રૂપીયાના ભાવ નીચે ઉતરી જતાં ૩૦૦ થી ૬૦૦ રૂપીયા થઈ ગયા છે. આમ કેસર કેરીના ખેડૂતો અને વેપારીઓ બન્નેને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે તેમ છતાં જે સ્થિતી છે તેનો સ્વીકાર કરીને વેપાર ચાલી રહ્યો છે. પરંતુ બાગાયતી ખેડૂતોને હજુ સુધી કેરીની થયેલી નુકશાનીનું કોઈ વળતર નહીં મળતાં નારાજગી પણ જોવા મળી રહી છે.

(1:20 pm IST)