Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ચોટીલામાં પ્રસુતિ માટે દાખલ કરાયેલી ગુંદાની વસંતબેનનું મોતઃ તબિબી બેદરકારીનો આક્ષેપ

મૃતકના સ્વજનો કહે છે-વસંતબેનને પુરા મહિના હતાં, ગઇકાલે દાખલ કરાઇ હતીઃ સાંજના ચાર સુધી ડિલીવરી ન થઇઃ વારંવાર કહેવા છતાં ડોકટરે બીજી હોસ્પિટલમાં જવા ન દીધાઃ ચાર દિકરી મા વિહોણી

રાજકોટ તા. ૭: ચોટીલાના ગુંદા ગામની કોળી સગર્ભાને ચોટીલાની હોસ્પિટલમાં ગઇકાલે સવારે પ્રસુતિ માટે દાખલ કરવામાં આવી હતી. પરંતુ તે બાળકને જન્મ આપે એ પહેલા મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. તબિબની બેદરકારીથી મોત નિપજ્યાનો સ્વજનોએ આક્ષેપ કરતાં ચોટીલા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો છે.

ગુંદા રહેતી વસંતબેન સામતભાઇ મકવાણા (ઉ.૩૫) નામની કોળી મહિલાને હાલમાં નવમો મહિનો ચાલતો હતો. ગઇકાલે પ્રસુતિની પીડા ઉપડતાં ચોટીલાની સાર્વજનિક હોસ્પિટલમાં સુવાવડ માટે દાખલ કરવામાં આવી હતી. પરંતુ સાંજે ત્યાં તેણીનું મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનાર વસંતબેનના પતિ ખેત મજૂરી કરે છે. સંતાનમાં ચાર દિકરીઓ છે. પાંચમી ડિલીવરી થાય એ પહેલા તેણીએ દમ તોડી દીધો હતો. મૃતકના જેઠ ઘુઘાભાઇ મકવાણા, પતિ સામતભાઇ મકવાણા સહિતના સ્વજનોએ આક્ષેપ કર્યો હતો કે વસંતબેનને ગઇકાલે પ્રસુતિની પીડા ઉપડતાં સવારે પોણા આઠેક વાગ્યે ચોટીલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સાંજના ચાર સુધી ડિલીવરી થઇ નહોતી. અમે ડોકટરને વારંવાર કહ્યું હતું કે જો તમારાથી ડિલીવરી  ન કરાવી શકાય તેમ હોય તો અમને રજા આપો અમે બીજા દવાખાને જઇએ. પરંતુ ડોકટરે છેક સુધી ડિલીવરી થઇ જ જશે...તેવી વાત પકડી રાખી હતી. છેલ્લે વસંતબેનની તબિયત બગડી હતી અને તેનું મોત થયું હતું. ડોકટરે બેદરકારી રાખતા આમ થયું છે.ચોટીલા પોલીસે મૃતકના સ્વજનો તરફથી આક્ષેપો થતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો છે.

(12:13 pm IST)