Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ગીર સોમનાથ જીલ્લામાં સિદ્ધિ સિમેન્ટનો ૧.૮ર કરોડનો દંડ માફ કરતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

વેરાવળ, તા. ૭ : પાંચ વર્ષ પૂર્વે સને ર૦૧૪માં ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત ખાનગી કંપની સિદ્ધિ સિમેન્ટને ગેરકાયદેસર ખનિજ ચોરી કરવા બદલ કરાયેલ રૂ. ૧.૮ર કરોડના દંડ માફ કરી દેવાનું બહાર આવતા ચકચાર મચી છે. જો કે, આ કિસ્સામાં સરકારી બાબુઓએ કાયદાથી ઉપર જઇ માફ કરી દીધાના આક્ષેપ સાથે એનજીઓ સંસ્થાએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરતા રાજય સરકારના કમિશનર-ખાણ ખનિજ વિભાગ, ગીર સોમનાથ જિલ્લા કલેકટર સહિતના સંબંધિતોનેે નોટીસ ફટકારતા ચકચાર જાગી છે. આ અંગે જાહેરહિતની અપીલ કરનાર પર્યાવરણ સુરક્ષા જનકલ્યાણ સમિતિના પ્રમુખ ભગવાન સોલંકીએ જણાવેલ કે, સિદ્ધિ સિમેન્ટ કંપનીએ તેની મંજૂર લીઝ વિસ્તાર બહાર ગૌચરની જમીનમાંથી ખનિજ ચોરી કરી હોવા અંગે ર૦૧૪ના સમયગાળામાં અનેકવાર રજુઆતો કરાયા બાદ જિલ્લા ખાણ ખનિજ વિભાગએ તપાસ શરૂ કરી હતી. જેમાં ખાણ ખનિજ વિભાગના સર્વેયરએ કંપનીની લીઝની માપણી કરતા લીઝ વિસ્તારમાં હદ નિશાનો ન હોવાની સાથે ફેન્સીંગ પણ થયેલ ન હતું. જેથી માપણી કરાતા કંપનીએ સરકારી સર્વે નં. પ૧૧,પ૯૯ પૈકીના ગૌચર જમીનના વિસ્તારમાંથી પ૧.૮રપ મે. ટન લાઇમસ્ટોન ખનિજનું વહન કરેલ હોવા બદલ સિદ્ધિ સિમેન્ટ કંપનીને રૂ. ૧,૮ર,૪ર,૪૦૦ અને (૧૦% વહીવટી ચાર્જ) કેમ ન વસૂલવા ? નોટીસ પાઠવાયેલ હતી. ત્યારબાદ તા. ૧ર-૧૧-ર૦૧૪ના રોજ કલેકટર કચેરી ખાતે કંપનીના જવાબદારોની હાજરીમાં સુનાવણી હાથ ધરાયેલ હતી. જેમાં કંપનીના અધિકારીની રજૂઆતને ધ્યાને લઇ ગીર સોમનાથ કલેકટરએ સિદ્ધિ સિમેન્ટ કંપનીની પ્રશ્નાવડા  મોરાસા તા. સુત્રાપાડાની માઇનીંગ લીઝમાં થયેલ લાઇમસ્ટોન ખનિજનું ગેરકાયદેસર ખોદકામની કારણદર્શક નોટીસ દફતરે કરવા તથા કંપની તરફથી સહમતી આપવામાં આવેલ કે કંપનીની માલિકીના સર્વે નં. ૧૭૦ પૈકી, ૧,ર, અને ૩ ને ગૌચરમાં તાબદીલ કરવા સુત્રાપાડા મામલતદારને હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ અને કાર્યવાહીથી ફલીત થયેલ કે કંપનીએ ગેરકાયદેસર રીતે ખનિજ ખોદકામ કરેલ હોવાનું ખુદ કંપનીના જવાબદાર અધિકારીએ સ્વીકારેલ હોવા છતાં નિયમ મુજબની કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ કર્યો છે.

પ્રશ્નના વડાના જાગૃત આગેવાન પ્રતાપભાઇ થોભણભાઇ જાદવ સાથે અમોને જિલ્લા વહીવટી તંત્રએ કાયદાથી ઉપર જઇ દંડ માફી સહિતની કરેલ કાર્યવાહી હુકમ સામે ઉપરોકત વિગતો સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે જે અનુસંધાને સંબંધિતોને નોટીસો ફટકારાયેલ હોવાનું અંતમાં જણાવેલ છે.(

(3:49 pm IST)