Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જસદણના કમળાપુર ભાડલા વિસ્તારનો સૌ યોજનાનો સમાવેશ કરવા માંગણી

 જસદણ તા. ૭: જસદણ તાલુકાનાં કમળાપુર સહિતના અંદાજે વીસ જેટલા ગામડાઓમાં સૌની યોજના હેઠળ પાણી આપવા માટે આ વિસ્તારને સૌની યોજના માં સમાવવા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ રામાણી દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતનાને કરવામાં આવેલી રજૂઆત મુજબ કમળાપુર, ભાડલા આસપાસના ગામડાઓમાં સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવા માટે આ યોજનામાં આ વિસ્તારના ગામડાઓનો સમાવેશ કરવો જરૂરી છે.

જસદણ નજીકના ધારી ડેમથી કમળાપુરના પોરણીયા તળાવ થઈને ખારી નદી કુંદણી તળાવ થઈ દહીસરા થઈને ભાડલા નજીકના આઢીયા તળાવમાં સૌની યોજનાનું પાણી ઠાલવવાવાની કામગીરી કરવામાં આવે તો આ વિસ્તારના કમળાપુર, મદાવા, પારેવાળા, કુંદણી, દહીસરા, બરવાળા, શાંતિનગર, ખડવાવડી, રાજાવડલા, આધીયા, રામળીયા, ગઢડીયા, ભંડારીયા, ભાડલા, બોઘરાવદર, રાણીગપર, રણજીતગઢ, વેરાવળ, અને વીરપર સહિતના ૨૦ થી વધુ ગામડાઓને આ યોજનાનો લાભ મળે તેમ છે. માત્ર ધારી ડેમ થી ભાડલા નજીકના આધીયા તળાવ સુધી સૌની યોજનાની પાણીની લાઇન નાખવામાં આવે તો આ વિસ્તારના અનેક ગામડાઓને ફાયદો થાય તેમ છે. યોગ્ય કરવાની રજૂઆત ધીરુભાઈ રામાણી તથા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ રવજીભાઈ સરવૈયાએ કરી છે.(૪૫.૨)

 

(11:26 am IST)