Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વરસાદની સંભાવના વચ્ચે પરિક્રમા માટે ભવનાથમાં યાત્રિકોનું આગમન

પરિક્રમા રૂટમાં પ્રવેશ ન મળતા, ઉતારા, વાડીઓ અને તળેટી ખાતે ખુલ્લામાં યાત્રીકોનો રાતવાસોઃ વાવાઝોડાની દહેશતને લઇ ભવનાથ ખાતે એનડીઆરએફની એક ટીમ તૈનાત રહેશે

જૂનાગઢ તા. ૬ :.. શુક્રવારથી શરૂ થતી ગિરનાર પરિક્રમામાં જોડાવા માટે ગઇકાલથી યાત્રીકોનું આગમન શરૂ થઇ ગયુ છે. પરંતુ  વાવાઝોડાને લઇ વરસાદની સંભાવના અને પરંપરા મુજબ જ પરિક્રમાનાં દ્વાર ખોલવામાં આવનાર હોવાથી પરિક્રમા રૂટમાં પ્રવેશ ન મળતા ગત રાત્રે મોટી સંખ્યામાં ભાવિકોએ ઉતારા, વાડીઓ અને તળેટી ખાતે ખુલ્લામાં રાતવાસો કર્યો હતો.

તા. ૮ નવે. કારતક સુદ ૧૧ ની મધરાતથી યોજાનાર ગીરનારની લીલી પરિક્રમાનું કાઉન્ટ ડાઉન શરૂ ગયું છે.

આ વર્ષે મહા વાવાઝોડુ ત્રાટકવાની દહેશત અને ભારે વરસાદની શકયતા હોવાને લઇ પરિક્રમા અવઢવની સ્થિતીમાં મુકાઇ છે.

આ સંજોગોમાં કલેકટર ડો. સૌરભ પારધીએ તા. ૮ ની રાત્રી પહેલા પરિક્રમા રૂટમાં પ્રવેશ ન કરવા આદેશ કર્યો છે અને વાવાઝોડુ અને વરસાદની સંભવનાને લઇ ભવનાથ ખાતે એનડીઆરએફની એક ટીમને તૈનાત કરવાનો નિર્ણય કરાયો છે.

૩૬ કિ.મી.ની કઠીન ગીરનાર પરિક્રમા શરૂ થવાને આડે ગણતરીની કલાકો બાકી રહ્યા છે ત્યારે ભારે વરસાદની સંભાવના વચ્ચે ગઇકાલથી ભવનાથ ખાતે પરિક્રમાર્થીઓનું આગમન શરૂ થઇ ગયું છે. પરંતુ પરિક્રમા રૂટમાં પ્રવેશ ન મળતા સાતેક હજાર યાત્રીકોએ ગત રાત્રે ભવનાથ સ્થિત ઉતારા, વાડીઓ, સમાજો વગેરે ખાતે ઉપરાંત તળેટીમાં ખુલ્લામાં રાતવાસો કર્યો હતો.

તેમજ ગત મોડી રાત્રી સુધી પરિક્રમા રૂટનાં મુખ્ય પ્રવેશ દ્વાર સુધી યાત્રીકોની અવર-જવર રહી હતી. જો કે, પરિક્રમા પ્રવેશ દ્વાર ખાતે તૈનાત કર્મચારીઓએ પરિક્રમાના દ્વાર તા. ૮ ની રાત્રે જ ખોલવાનો આદેશ હોવાનું જણાવતા યાત્રીકોએ પરિક્રમા રૂટ પર પ્રવેશ કરી શકયા ન છતાં અને ભવનાથ  વિસ્તારમાં રાત્રી રોકાણ કર્યુ હતું.

આજે પણ યાત્રીકોનું અવિરત આગમન થઇ રહયુ હોવાથી ભવનાથમાં વિવિધ ચહલ - પહલ વધી ગઇ છે.

પરિક્રમા રૂટ પર અન્નક્ષેત્રે વગેરેનો ધમધમાટ શરૂ થઇ ગયો છે તેમજ ભવનાથ સ્થિત વિવિધ ધાર્મિક, જગ્યાઓ, આશ્રમો  વગેરે ખાતે અન્નક્ષેત્રોની તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે.

પરિક્રમને લઇ વહીવટી, વન વિભાગ અને પોલીસ તંત્ર પણ સજ્જ થઇ ગયું છે.

(1:16 pm IST)