Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

મોરબી જિલ્લામાં અગરિયાઓ તથા માછીમારોને સલામત સ્થળે ખસેડાયાઃ વાવાઝોડા સામે તકેદારી અંગે મીટીંગ મળી

મોરબી તા.૬: મહા વાવાઝોડાની આગાહી  સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે માનહાની અને જાનહાની ન સર્જાઇ તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે એક મીટીંગ યોજવામાં આવી હતી.

આ મીટીગમાં કલેકટરશ્રીને માળીયા-હળવદ-મોરબીના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ચીફ ઓફીસરશ્રીઓ તેમના વિસ્તારના મીઠાના અગરીયાઓ,જીંગા ઉછેર માછીમારો, તેમજ માછીમારી બોટોને પાછા બોલાવી સલામતી સ્થળે ખસેડીને સલામત જગ્યાએ રહેવાની વ્યવસ્થા,પીવાના પાણીની વ્યવસ્થા વગેરે માહિતી આપી વાકેફ કર્યા હતાં.

જયારે કલેકટરશ્રીએ મીટીંગમાં હવામાન વિભાગની આગાહી મુજબ તા.૬ નવેમ્બર-૧૯ ની મધ્યરાત્રીથી તા.૭ નવેમ્બર-૧૯ના બપોર સુધીમાં સમગ્ર ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાં મહા વાવાઝોડા તથા ભારે વરસાદ પડવાની આગાહી છે. જેમાં મોરબી જિલ્લાનો ૫૫ કિ.મી. દરિયાઇ વિસ્તાર આવેલો છે. જેમાં માળીયાના ૧૫ ગામો, હળવદના ૪ રણ વિસ્તારના ગામો,મોરબીના ૪ ગામો આમ કુલ-૨૩ ગામો અસરકરતા ગામોમાં સલામતી માટે લાઇન ડીપાર્ટમેન્ટને સુચનાઓ આપવામાં આવી હતી.આજની પરિસ્થિતીએ ૧૫૮ બોટોને પરત બોલાવી લીધેલ અને અગરીયાઓને સલામત સ્થળે બોલાવી લીધેલ છે. તેમ છતા સલામતી માટે વહીવટીતંત્ર તરફથી પુરી તૈયારી કરેલ છે.

આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી.જોષી, હળવદ પ્રાંત અધિકારીશ્રી ગંગાસિંહ, ટંકારા પ્રાંત કલેકટરશ્રી અનિલ ગોસ્વામી, તથા અધિકારીશ્રીઓ હાજર રહયા હતા.

(11:56 am IST)