Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કાલાવાડ પંથકમાં ટેન્કરમાંથી ચોરીના રેકેટ પર રેડઃ હોટેલ માલિક અને ટેન્કર ચાલક ચલાવતા હતા નેટવર્કઃ સસ્તું પેટ્રોલ ડીઝલ મેળવી કરાતું હતું વેચાણ...

જામનગર-કાલાવડ તા.૬: કાલાવાડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામે ધોરી માર્ગ પર આવેલ એક હોટેલમાં ચાલતા ડીઝલ અને પેટ્રોલ ચોરીના નેટવર્ક પર આર આર એલ પોલીસે દરોડો પાડી અનધિકૃત રેકેટનો પર્દાફાસ કર્યો છે. પોલીસે હોટેલ સંચાલક અને ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કંપનીમાંથી ડીઝલ કે પેટ્રોલ ભરી નિયત સ્થળે રવાના થયેલ ટેન્કરમાંથી બરોબર અમુક માત્રાનો જથ્થો અહી કાઢી લેવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ટેન્કર ચાલક સસ્તાભાવે જથ્થો પૂરો પાડતો અને હોટેલ સંચાલકોએ જથ્થો બજાર ભાવે વેચતા હોવાની વિગતો સામે આવી છે.

કાલાવડ તાલુકા ભાવાભી ખીજડીયા ગામે ધોરીમાર્ગ પર આવેલ આશાપુરા હોટેલ પાસે રસ્તા પરથી પસાર તથા પેટ્રોલ-ડીઝલના ટેન્કરના ચાલકો અને હોટેલ સંચાલકો દ્વારા મિલીભગત કરી પેટ્રોલ-ડીઝલનો જથ્થો કાઢી ચોરીનું તરકટ ચાલતું હોવાનું રાજકોટ રેંજ પોલીસના સ્ટાફને બાતમી મળી હતી જેના આધારે સમગ્ર સ્ટાફે દરોડો પાડ્યો હતો. ગઇ કાલે રેંજ પોલીસના દિગ્વિજયસિંહ ઝાલા અને એ એસ વાઘેલા સહિતના સ્ટાફે દરોડો પાડી એક ટેન્કરમાંથી થઈ ઇંધણની ચોરી પકડી પાડી હતી. ટેન્કર ચાલક હનીફ જાનમામદભાઇ મકરાણી બ્લોચ ઉ.વ.૪૫ ધંધો ડ્રાઇવીંગ રહે વીશાવદર હોટેલ સંચાલક ધર્મેદ્રસિંહ ભીખુભા જાડેજા રહે સાતોદળ તા.જામકંડોરણા મહાવીરસિંહ નટુભા જાડેજા રહે ભાવાભી ખીજડીયા વાળા સખ્સોને પકડી પાડ્યા હતા.

આરોપી હોટેલ સંચાલકોને ટેલીફોન દ્વારા ડીઝલ-પેટ્રોલની હેરાફેરી કરતા ટેન્કર ચાલકોને લાભ લાલચ આપી પૂર્વ આયોજીત કાવતરૂ રચી પોતાના કબ્જા ભોગવટાની હોટલે બોલાવી તમામએ એક બીજાની મદદગારી કરી આરોપી ટેન્કર ચાલક હનીફે ટ્રકના માલીક તથા ડીઝલના માલીકની જાણ બહાર ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ કંપનીએ ભરી આપેલ ડીઝલમાંથી ૬૦ લીટર ડીઝલ તથા ૩૦ લીટર પેટ્રોલ વેચાતુ બજાર ભાવથી ઓછી કીમતે કાઢી આપી કંપની તથા ડીઝલ માલીક સાથે વિશ્વાસઘાત કરી ગુન્હા આચર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી ડીઝલ તથા પેટ્રોલ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા  ૩૪,૦૫,૦૯૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામની સામે આઇ.પી.સી કલમ ૪૦૭,૧૨૦બી મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:56 am IST)