Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ગોંડલઃ માંડવી ચોકમાંથી ગુમ થયેલ ત્રણ વર્ષની માસુમ બાળાને ગણતરીની કલાકોમાં પોલીસે શોધી કાઢી

ગોંડલ તા.૬: બિલિયાળા રહેતો શ્રમિક પરિવાર નોમની સાંજે હટાણું કરવા ગોંડલ આવ્યો હતો અને બાળકી ગુમ થવા પામી હતી સીટી પોલીસે પાંચ ટીમ બનાવી તાલુકાને દ્યમરોળી નાખ્યું હતું. જિલ્લા પોલીસ વડા બલરામ મીણા તેમજ ગોંડલ ડીવાયએસપી દિનેશ ચૌહાણે પોલીસ ટીમને સતત માર્ગદર્શન આપ્યું

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ બિલિયાળા ગામના પાટીયા પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા અને કડિયા કામ કરતા મૂળ એમપી જાંબુવના રાજુભાઈ થાનસિંગ કલછીયા પોતાના પરિવાર સાથે નોમની સંધ્યાએ હટાણું કરવા માટે ગોંડલના માંડવી ચોક ખાતે આવ્યા હતા જયાં તેમની ત્રણ વર્ષની માસુમ પુત્રી નામે પૂજા અચાનક ગુમ થઈ જતા સિટી પોલીસમાં જાણ થવા પામી હતી.

બાળકી ગુમ થવાની ઘટનાને લઈ પી.આઈ રામાનુજ દ્વારા ૫ ટીમ બનાવવામાં આવી હતી જેમાં પીએસઆઇ ઝાલા, પીએસઆઇ રાદડિયા, પી.એસ.આઇ ગોલવેલકર તેમજ પી.એસ.આઇ સાખડા સહિતનાઓ દ્વારા સમગ્ર તાલુકાને ધમરોળી નાખવામાં આવ્યો હતો, પીઆઇની ટીમમાં હરુભા જાડેજા, વીરભદ્રસિંહ વાદ્યેલા, સિધ્ધરાજસિંહ વાદ્યેલા સહિતનાઓ જોડાયા હતા.

દરમિયાન ત્રણ વર્ષની માસુમ પૂજા શહેરના ધોધાવદર રોડ પર આવેલ રાજ સિમેન્ટના કારખાનામાં મજૂરી કામ કરતા અનિતાબેન સોમાભાઈ વેળા ને માસુમ બાળા મળી આવતા પોલીસે તેનો કબજો લઇ પૂજાના માતા-પિતાને પોલીસ મથકે બોલાવી તેમના હવાલે કરતા પોલીસ મથકમાં હરખની હેલી પ્રસરી હતી અને પોલીસે બેડાએ શાંતિ અનુભવી હતી.(૧.૪૯)

 

(2:30 pm IST)