Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સલાયાના ડ્રગ્સ પ્રકરણમાં અન્ય નામથી ફિશીંગ બોટ મારફતે હેરાફેરી કરનારા શખ્સો સામે વધુ એક ફરિયાદ

ત્રણ માસ પહેલા અડધો ડઝન જેટલા શખ્સોએ મીલીભગત આચરી માછીમારીના નામે ડ્રગ્સની હેરાફેરી કરી હતી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬ : ખંભાળિયા પંથકમાંથી આજથી આશરે ત્રણેક માસ પૂર્વે બે સ્થળોએથી ઝડપાયેલા કુલ રૃપિયા ત્રણસો પંદર કરોડની તોતિંગ કિંમતના ડ્રગ્સ પ્રકરણમાં પાકિસ્તાન બોર્ડર પરથી ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ઉતારવામાં આવેલા આ ડ્રગ્સ સંદર્ભે પોલીસે અન્ય બોટના નામે ખોટા રજીસ્ટ્રેશન નંબર દર્શાવી માછીમારી બહાને ડ્રગ્સ લઈ આવ્યા સબબ અડધો ડઝન જેટલા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

ખંભાળિયા- જામનગર રોડ પરના આરાધનાધામ પાસેથી ગત તારીખ ૯ નવેમ્બરના રોજ મોડી રાત્રીના સમયે મુંબઈના એક શખ્સ પાસેથી પોલીસે આશરે રૃપિયા ૮૮.૨૫ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. આ અંગેની વધુ તપાસમાં જિલ્લા પોલીસે વધુ રૃપિયા ૨૨૫ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો સલાયાના બે શખ્સોના રહેણાંક મકાનમાંથી જપ્ત કર્યો હતો.

કુલ રૃપિયા ૩૧૫ કરોડના તોતિંગ કિંમતના ઝડપાયેલા ડ્રગ્સના આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે નાઇજીરિયન તથા મુંબઈના શખ્સો ઉપરાંત સલાયાના રહીશ સલીમ યાકુબ કારા તેના ભાઈ અલી અસગર યાકુબ કારા નામના બે બંધુઓ બાદ પાકિસ્તાન બોર્ડર ઉપરથી ડ્રગ્સ લઈને આવેલા સલાયાના સલીમ ઉમર જુસબ જસરાયા તથા તેના ભાઈના નામો પોલીસ ફરિયાદમાં ખુલવા પામ્યા હતા. જેની પોલીસે ધરપકડ કરી વિવિધ દિશામાં તપાસ આરંભી હતી.

આ સમગ્ર પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસમાં જે બોટમાં પાકિસ્તાન બોર્ડર ઉપરથી ડ્રગ્સનો જથ્થો લઈ આવવામાં આવ્યો હતો, તે ફારૃકી- ૧ નામની બોટ કે જેના અગાઉ મૂળ માલિક જૂનાગઢ જિલ્લાના થોરડી ગામના રહીશ અને હાલ રૃપેણ બંદર ખાતે રહેતા અજગરઅલી છોટુમિયા સૈયદ હોવાનું ખુલવા પામ્યું છે, તેની સામે પણ તપાસ ચલાવતા આ પ્રકરણમાં દ્વારકાના રૃપેણ બંદર ખાતે રહેતા આમદ જુસબ ભેસલીયા દ્વારા બોટના કાગળો આરોપી સલીમ તથા અલી કારાને આપ્યા હોવાનું ખુલવા પામ્યું છે.

આ અંગે અહીંના સી.પી.આઈ. પટેલની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આરોપી શખ્સો દ્વારા સુનિયોજિત કાવતરૃં રચી, ગેરકાયદે રીતે વગર માત્ર માછીમારી બોટ ફારૃકી- ૧ કે જેના રજીસ્ટ્રેશન નંબર આઈ.એન.ડી.- જી.જે.-૩૭- એમ.ઓ.- ૭૨૯ ના રજીસ્ટ્રેશન કાગળોની વેચાણ-ખરીદી કરી, વેચાણ અંગેનો ખોટો દસ્તાવેજ બનાવી, રજીસ્ટ્રેશન વગરની અજગરઅલી છોટુમિયા સૈયદની ફાઈબસ્ની અજમેરી લખેલી બોટનું વેચાણ- ખરીદી કરવા અંગેનું કૌભાંડ આચરી, ફારૃકી- ૧ બોટ ન હોવા છતાં ઉપરોકત નામ અને નંબરનું લખાણ કરી અને ફિશરીઝ ગાર્ડ પાસેથી માછીમારી કરવા અંગેની વિધિવત રીતે નોંધ કરાવી, તારીખ ૨૮ ઓકટોબરથી તારીખ ૯ નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ઉપરોકત શખ્સોની મીલીભગતથી ગુનો આચરવામાં આવ્યો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે સલીમ યાકુબ કારા, અલી અસગર કારા, સલીમ ઉંમર જસરાયા, દ્વારકાના આમદ જુસબ ભેસલીયા અને અજગર અલી છોટુમીયા સૈયદ ઉપરાંત સંભવિત રીતે સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૪૬૩, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૩ તથા ૧૨૦(બી) મુજબ ગુનો નોંધ્યો છે.

(1:09 pm IST)