Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ઉપલેટા પોલીસે ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી વેચવાનું કારસ્તાન ઝડપી લીધું

ટ્રક, છોટાહાથી અને જ્વલનશીલ પ્રવાહી સહિત ૨૭.૩૦ લાખના મુદ્દામાલ સાથે હાર્દિક આહિર અને વિઠ્ઠલ કોળીની ધરપકડઃ પ્રફુલ ચંદ્રવાડીયા અને અજીત છૈયાની શોધખોળ

રાજકોટ, તા. ૬ :. ઉપલેટા પોલીસે ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી વેચવાનું કારસ્તાન પકડી પાડી ૨૭.૩૦ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરાઈ છે.

મળતી વિગતો મુજબ પોરબંદર તરફ જતા નેશનલ હાઈવે પર રેતી ચારવાના પ્લાન્ટના ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી વેચાતુ હોવાની બાતમી મળતા ઉપલેટાના ઈન્ચાર્જ પીઆઈ એચ.એમ. ધાધલ તથા સ્ટાફે રેડ કરતા ટ્રક નં. જીજે ૧૮ એજે ૦૮૧૬માં ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલ ભરાતુ હતુ. આ પેટ્રોલ છોટાહાથી નં. જીજે ૦૩ એડબલ્યુ ૮૯૩૮માં રહેલ ટાંકાઓમાંથી ઈલેકટ્રોનીક મોટર તથા ફયુલ પમ્પ વડે પેટ્રોલ જુદા જુદા વાહનોમાં ભરી અપાતુ હતુ. પોલીસે ટ્રકના ચાલક વિઠલ બાવનજીભાઈ સિહોરા, રહે. આમ્રપાલી સોસાયટી ઉપલેટા તથા છોટાહાથીના ચાલક હાર્દિક ભનુભાઈ આહિર રહે. તલગણા, તા. ઉપલેટાના ટ્રક, છોટાહાથી તથા  ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી ૧૧૦૦૦ લીટર કિં. ૬.૬૦ લાખ, પ્લાસ્ટીકના બે સ્ટોરેજ ટાંકાઓ તથા એક ટેન્કર નં. જીજે ૦૩ એટી ૪૪૧૨ મળી કુલ ૨૭.૩૦ લાખનો મુદામાલ કબ્જે કરી હાર્દિક તથા વિઠલ કોળીની ધરપકડ કરી હતી.

આ જ્વલનશીપ પેટ્રોલીયમ પ્રવાહી પ્રફુલ ઉકાભાઈ ચંદ્રવાડીયા રહે. ઉપલેટા તથા અજીત નાથાભાઈ છૈયા રહે. ભીંડોરા તા. માણાવદર ગેરકાયદેસર રીતે વેચતા હોવાનુ ખુલતા ઉકત બન્ને સામે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરાઈ છે.

(12:54 pm IST)