Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે થયેલ હત્યા કેસમાં મહિલા આરોપીના જામીન રદ

પોરબંદર તા. ૬: પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે હત્યા નિપજાવવાના પ્રકાશીત થયેલ ગુન્હાના કામે સંડોવાયેલા આરોપીના જામીન નામંજુર કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર તાલુકાના મોઢવાડા ગામના રહીશ-ગોવિંદભાઇ મેઘાભાઇ વાઘેલા, રહે. મોઢવાડા, તા. પોરબંદર વાળાએ આરોપીઓ (૧) ભીનીબેન લખુ ટપુભાઇ વાઘેલા, (ર) લખુ ટપુભાઇ વાઘેલા, રહે. બન્ને, મોઢવાડા વાળાઓની સામે બગવદર પોલીસ સ્ટેશનમાં મુળ ફરીયાદીશ્રીના ભાઇ અરવિંદ મેઘાભાઇ વાઘેલાની હત્યા નિપજાવવા અન્વયેની ફરીયાદ આપતાં બગવદર પોલીસે આરોપીઓની સામે આઇ.પી.સી. કલમ-૩૦ર વિગેરે મુજબનો ગુન્હો નોંધી આરોપીઓની ધોરણસર અટક કરી અને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે બન્ને આરોપીઓને ન્યાયીક હિરાસતમાં મોકલી આપેલા. અને ત્યારબાદ આરોપીઓ પૈકી ભીનીબેન લખુ ટપુભાઇ વાઘેલાએ પોતે સ્ત્રીવર્ગના સભ્ય હોય, અને ગુન્હાના કામે નિર્દોષ હોવાનું રટણ કરી અદાલતમાં જામીન મુકત થવા જામીન અરજી રજુ રાખેલ.

આ કામે સરકારી વકીલે રજુઆત કરેલ કે, મુળ ફરીયાદી ન્યાયથી વંચીત રહી જઇએ તેમ હોય, અને તેમ થાય તો સમાજમાં આવા ગંભીર પ્રકારના ગુન્હાઓનું પ્રમાણ વધી જાય તેમ હોય, વિગેરે વિગતવાર રજુઆતો કરતાં કોર્ટે મુળ ફરીયાદીની રજુઆતો તેમજ કેસની ગંભીરતાને ધ્યાને લઇ અને આરોપી-ભીનીબેન લખુ વાઘેલાની જામીન મુકત થવાની અરજી નામંજુર કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં મુળ ફરીયાદ પક્ષે પોરબંદરના વકીલશ્રી જે. પી. ગોહેલ ઓફીસ તરફથી એમ. જી. શીંગરખીયા, એન. જી. જોષી, વી. જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, એમ. ડી. જુંગી, પી. બી. પરમાર, જીજ્ઞેશ ચાવડા વિગેરે રોકાયેલા હતા.

(12:53 pm IST)