Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જૂનાગઢ : રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના સૌરાષ્ટ્ર સંભાગનો કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજાઇ ગયો

જુનાગઢ તા. ૬ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષણ્કિ મહાસંઘ ગુજરાતનાં સૌરાષ્ટ્ર સંભાગનાં જિલ્લા કક્ષાનાં કાર્યકર્તાઓ માટેનો અભ્યાસ વર્ગ ભારતી આશ્રમ ખાતે  યોજાઈ ગયો.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા યોજાયેલ આ અભ્યાસ વર્ગમાં સૌરાષ્ટ્ર સંભાગમાં સમાવિષ્ટ ૧૨ જિલ્લાનાં ૮ સંવર્ગોમાંથી અપેક્ષિત પ્રશિક્ષાર્થીઓ, વિષય તજજ્ઞો અને સ્થાનિક યજમાન ટીમ સભ્યો સહિત ૨૦૫ જેટલા કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બે દિવસ દરમિયાન નવ સત્રમાં ચાલેલા આ નિવાસીય અભ્યાસ વર્ગમાં રાષ્ટ્ર હિત, શિક્ષક હિત, બાળ હિત સાથે સમાજ હિતને આવરી લેતા મહાસંઘ સંબંધી વિવિધ વિષયો પર કાર્યકર્તા બંધુ ભગીનીઓ પ્રશિક્ષિત થયેલ. આ અભ્યાસ વર્ગમાં ઉપસ્થિત સૌ શિક્ષક ભાઈઓ બહેનો બાળ હિત થકી રાષ્ટ્ર હિત માટે કટિબદ્ઘ થવા અને અભ્યાસ વર્ગમાં મેળવેલ પાથેય જિલ્લા કક્ષા,તાલુકા કક્ષાથી શાળા કક્ષા સુધી પહોંચાડવાની સાથે પ્રથમ પોતે જ આદર્શ કાર્યકર્તા બની અન્ય સારસ્વત જનો માટે આદર્શ રૂપ બનવા સંકલ્પીત બન્યા હતા.

બે દિવસનાં આ અભ્યાસ વર્ગમાં વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવા માટે કીશોરભાઈ મુગલપરા, ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢ કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદી મહેશભાઈ જીવાણી, કનુભાઈ કરકર, મોહનજી પુરોહિત, જીગ્નેશ ભાઈ ત્રિવેદી, કુલદીપ સિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ સરવૈયા સહિત મહાસંઘનાં ગુજરાત પ્રાંતનાં હોદ્દેદારો ભીખાભાઇ પટેલ, ઘનશ્યામ ભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, રતુભાઈ ગોળ, પલ્લવી બેન પટેલ તથા સૌરાષ્ટ્ર સંભાગનાં સંગઠન મંત્રી મહેશભાઈ મોરી ઉપસ્થિત રહેલ. આ અભ્યાસ વર્ગમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર જિલ્લા તથા ભાવનગર મહાનગરનાં વિવિધ સંવર્ગનાં અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર સંભાગનાં ઉપરોકત અભ્યાસ વર્ગને સફળ કરવા માટે જુનાગઢનાં જીતુભાઇ, સુરેશભાઈ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જુનાગઢ જીલ્લાની ટીમે જવાબદારીનું પૂર્ણ વહન કરેલ.

(12:49 pm IST)