Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કચ્છ સરહદે ઘૂસી આવેલા પાકિસ્તાની નાગરિકને ભારતીય જવાનોએ પાકિસ્તાની સેનાને પરત સોંપ્યો

ભૂલા પડેલા પાક નાગરિકને પાકિસ્તાની રેન્જર્સ શોધી રહ્યા હોઇ માનવતાને ધોરણે ભારતીય જવાનોએ પરત સોંપ્યો : કોઇ પણ વાંધાજનક ચીજવસ્તુ મળી નહી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : કચ્છની રણ સરહદે ઘૂસી આવેલો પાક નાગરિક ભારતીય જવાનોના હાથમાં ઝડપાઈ ગયો હતો. જોકે, મંગળવારે બનેલ આ ઘટના અંગે ભારતીય જવાનોએ માનવીય સંવેદનાના દર્શન કરાવ્યા હતા. આમાં થયું એવું હતું કે, મૂળ નગરપારકર, સિંધના મેડો ગામનો ૨૫ વર્ષીય પાકિસ્તાની નાગરિક અહસન બુરા માસ્ટર ભૂલથી ભારતીય સરહદમાં ઘૂસી આવ્યો હતો.

સરહદ ઉપર ભૂલા પડેલા આ પાકિસ્તાની નાગરિકને બે પાકિસ્તાની રેન્જર્સ શોધી રહ્યા હતા. સીમા પારના પાક સિપાહીઓએ ભૂલા પડેલા પાકિસ્તાની નાગરિકની શોધખોળ દરમ્યાન ભારતીય જવાનોનો સંપર્ક કર્યો હતો. કચ્છ સરહદે ફરજ બજાવતી બીએસએફની ૫૬ બટાલિયનના જવાનોએ આ પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો હતો.

દરમિયાન આ બાબતે બોર્ડર પિલર ૧૦૨૯/૩ ઉપર ભારત અને પાકિસ્તાની સૈન્યની ફલેગ મિટિંગ દરમ્યાન માનવતાના ધોરણે ભૂલથી ઘૂસી આવેલા પાક નાગરિકને બીએસએફે પરત સોંપ્યો હતો. આ પાકિસ્તાની નાગરિકની તપાસ દરમ્યાન કોઈ પણ વાંધા જનક ચીજ વસ્તુ મળી નહોતી.

(10:47 am IST)