Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

આમરણથી પીપળીયા ૨૦ કિ.મી.નો રસ્તો બનાવવા હવે પાંચ દિ’ની મહેતલ !

ત્રણ વર્ષથી બદતર બનેલો માર્ગ મંજૂર થયો છતા કામ શરૂ થતું નથીઃ જનઆંદોલનની તૈયારીઃ પ્રજામાં ભારે રોષ

(મહેશ પંડયા દ્વારા) આમરણ, તા. ૬:. આમરણ ખાતેથી પસાર થતા જામનગર-કંડલા કોસ્ટલ હાઈવે પરનો આમરણથી પીપળીયા (ચાર રસ્તા) સુધીનો ૨૦ કિ.મી. માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી બદથી બદતર હાલતમાં ફેરવાઈ ગયો છે. અમલદારશાહીની ચુંગાલમાં ફસાઈ ગયેલ આ માર્ગનો હવે દિવસ-૫માં નવીનીકરણના કામનો પ્રારંભ કરવામાં નહીં આવે તો આમરણ ચોવીસી પંથકના ગામોના સરપંચો, તા.પં. સદસ્ય, જિ.પં. સદસ્યની આગેવાની હેઠળ જનતા દ્વારા રસ્તા રોકો અને જિલ્લા કલેકટર કચેરી સામે ધરણા જેવા કાર્યક્રમો યોજી જનઆંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી રોષભેર આખરી મહેતલ આપવામાં આવી છે.
આગેવાનોેએ અધિક્ષક કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ રાજકોટ, જિલ્લા કલેકટર મોરબી સહિતના તંત્રને રજૂઆત કરતા જણાવ્યુ છે કે, આમરણથી પીપળીયા સુધીનો ૨૦ કિ.મી. કોસ્ટલ હાઈવે છેલ્લા ત્રણ વર્ષથી સંપૂર્ણ બદથી બદતર હાલતમાં ફેરવાઈ ગયો છે તેમ છતાં તંત્ર દ્વારા કશું ધ્યાન અપાતુ નથી. માર્ગમાં ઠેર ઠેર જગ્યાએ નાના-મોટા ગાબડા અને ખાડાઓ પડી ગયા છે. ડામર માર્ગનું નામોનિશાન નથી. જનતા-વાહનચાલકો માનસિક-શારિરીક યાતના ભોગવી રહ્યા છે. વાહનોમાં યાંત્રિક ભાગો તૂટી જતા અધવચ્ચે ફસાઈ જતા ટ્રાફિકજામ થતો રહે છે. નાના મોટા અકસ્માતોની ઘટના અવારનવાર બનતી રહે છે. સરકારશ્રી દ્વારા આ માર્ગના નવીનીકરણ માટે રૂા. ૬ાા કરોડની રકમ મંજુર કરી કોન્ટ્રાકટ કામ પણ અપાઈ ચૂકયુ છે તેમ છતાં કામ શરૂ નહીં કરીને પ્રજાને પીડા અપાઈ રહી છે. છેલ્લા ૬ માસ થયા વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. મોરબી પીડબલ્યુડી અધિકારીઓ દ્વારા એક-બે દિવસમાં કામ શરૂ થઈ જશે તેવા જવાબ સાથે પ્રજાની મજાક થઈ રહી છે પરંતુ કામ થતુ નથી.
એક વર્ષ પહેલા રૂપાણી સરકારના નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ માર્ગના કામ માટે રૂા. ૬ાા કરોડ મંજુર થઈ ગયા બાદ કોન્ટ્રાકટ કામ પણ અપાઈ ચૂકયુ છે. વર્તમાન સરકારમાં પણ વારંવાર રજૂઆત થઈ ચૂકી છે, પરંતુ ત્રાસદાયક આ માર્ગ સંબંધે બિલકુલ ધ્યાન અપાતુ નથી. છેલ્લે અખબારી અહેવાલોને પગલે સત્તાધારી ભાજપ પક્ષના તાલુકા, જિલ્લાના વરિષ્ઠ આગેવાનો દ્વારા પણ રૂબરૂ-લેખિતમાં ઉંચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાંય અમલદારશાહી પાસે આગેવાનોનો પનો ટૂંકો પડયો હોય તેવો તાલ સર્જાતા ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડયો છે. હવે જનતાએ જ સ્વયં જાગૃત બની તંત્ર સામે રણટંકાર કર્યો છે.
થોડા દિવસો પહેલા પીડબલ્યુડી વિભાગ દ્વારા સાધન સરંજામ સાથે આમરણથી કામનો પ્રારંભ પણ કરાયો હતો. લોકો હાશકારાની અનુભૂતિ કરી રહ્યા હતા, ત્યાં જ બીજે દિવસે અધિક્ષક ઈજનેર રાજકોટની કચેરી દ્વારા કામ બંધ કરવાનોે આદેશ આવી પહોંચતા કામ બંધ કરી દેવાયુ હતુ. માત્ર એક દિવસ કામના પ્રારંભનું નાટક કરી જનતાની સરેઆમ મજાક કરવામાં આવતા રોષની લાગણી ફેલાઈ હતી.
નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત તાજેતરમાં માળિયા, આમરણ, ધ્રોલ સુધીના ફોરલેન નેશનલ હાઈવેના કામનો પ્રાથમિક આરંભ થયો છે. હાલ હયાત કોસ્ટલ માર્ગની બન્ને સાઈડમાં પ્રાથમિક કામ ચાલી રહ્યુ છે. સંપૂર્ણ માર્ગ તૈયાર થઈ લોકાર્પણ થતા હજુ ત્રણથી ચાર વર્ષનો સમય પસાર થઈ જવાની સંભાવના છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ પીડબલ્યુડી (રાજ્ય)ના ઉંચ્ચ અધિકારીઓ હાલના આમરણ-પીપળીયા વચ્ચેના બદતર માર્ગનું કામ નેશનલ હાઈવે ઓથોરીટી સંભાળી લે તેવુ ઈચ્છે છે, જ્યારે નેશનલ હાઈવે ઓથોરીટી આ કામ સંભાળવા રાજી નથી તેવુ જાણવા મળે છે. રાજ્ય સરકારે એક વર્ષ પહેલા આ માર્ગ નવીનીકરણ માટે ૬ાા કરોડની રકમ ફાળવી દીધી છે. કોન્ટ્રાકટ પણ અપાઈ ચૂકયો છે છતાં પણ પીડબલ્યુડી વિભાગે કામનો પ્રારંભ શા માટે ન કર્યો ? આટલો લાંબો સમય શા માટે રાહ જોઈ ? હવે જયારે નેશનલ હાઈવેના કામનો પ્રારંભ થયો છે ત્યારે પોતાની જવાબદારીમાંથી છટકવુ અને પ્રજાની યાતનામાં વધારો કરવો એ કેટલુ ઉંચિત છે તેવા સવાલ જનતા કરી રહી છે. અધિકારીઓની લાપરવાહી અને મનમાનીને કારણે જનતા હાલ અધોગતીમાંથી પસાર થઈ રહી છે.
ઉંપરોકત પ્રશ્ને જિલ્લા પંચાયત સદસ્ય સરોજબેન ગાંભવા, તાલુકા પંચાયત સદસ્ય જાગૃતિબેન વાઘડીયા તેમજ સરપંચો મોહનભાઈ પરમાર (આમરણ), મનોજભાઈ શેરસીયા (ઓમનગર), હિનાબેન કાસુન્દ્રા (ડાયમંડનગર), મનોજભાઈ ધોરીયાણી (રાજપર), ગીતાબેન ઠોરીયા (ખારચીયા), મહેશભાઈ પારજીયા (હજનારી)એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જનઆંદોલનની ચેતવણી આપી દિવસ-૫માં ઘટતી કાર્યવાહી થવા માંગણી કરી છે.

 

(10:20 am IST)