Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ગોંડલ નગરપાલિકા દ્વારા ODPS અંતર્ગત ૩૯૭ બાંધકામ વિકાસ પરવાનગી અપાઇ

નવા બાંધકામ પરવાનગીની વાર્ષિક આવક ૨.૪૨ કરોડ થવા પામી

ગોંડલ, તા.પઃ રાજય સરકાર દ્વારા નાના મધ્યમ વર્ગના લોકોને ટીપી કમિટીની લાંબી બાંધકામ મંજૂરી ની પ્રક્રિયા માંથી મુકિત આપવા ૧૨૫ ચોરસ મીટર થી ઓછું બાંધકામ ધરાવતી અરજીઓનો સત્વરે નિકાલ થાય તે માટે જણાવાયું હતું જેને અનુલક્ષીને ગોંડલ નગરપાલિકામાં ૭૭૦ અરજીઓ આવેલ હતી, જેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, તેમજ નિયમિત ટીપી કમિટીમાં રજૂ થયેલ ઓફલાઈન ૧૭૧ અરજીઓનો નિકાલ પણ કરાતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી.

ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા પારદર્શક અને ઝડપી કાર્યવાહી ધ્યાને લઇ કુલ ૧૩૩૮ અરજીઓને મંજૂરી આપવામાં આવેલ છે, આ મંજૂરી થકી નગરપાલિકાને રેકોર્ડ બ્રેક વાર્ષિક આવક ૨.૪૨ કરોડ જેવી થવા પામી છે આ માતબર રકમ ને આગામી દિવસોમાં શહેરના વિકાસના કામોમાં વાપરવામાં આવશે આ આવક પૈકી રૂપિયા ૨૪ લાખ જેટલી વસુલાત સરકારના કોમન જી ડી સી આર ની ચાર્જેબલ એફ એસ આઈ ની જોગવાઈ હેઠળ કરવામાં આવેલ છે.

ઓનલાઇન બિલ્ડીંગ પરમિશન પ્રક્રિયા પારદર્શક અને ઝડપી હોય લોકો તેનો લાભ લેવા માટે રજિસ્ટર્ડ એન્જિનિયર મારફત પોતાની અરજી આઈ એફ પોર્ટલ ઉપર અપલોડ કરી શકે છે અને પેમેન્ટ પણ ઓનલાઇન કરી શકે છે સોફ્ટવેર દ્વારા બિલ્ડીંગ પ્લાન ની ચકાસણી કરવામાં આવે છે ત્યારબાદ તે ના ડોકયુમેન્ટ ની ચકાસણી ગોંડલ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે બાંધકામ મંજૂરીની પ્રક્રિયા માટે ગોંડલ નગરપાલિકામાં રજીસ્ટર્ડ થયેલા ૩૯ એન્જિનિયર, પંદર સ્ટ્રકચર એન્જિનિયર, ૪ આર્કિટેકટ્સ લાયસન્સ ધરાવે છે. જેની વિગતો પણ અરજદારો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. ઉપરોકત નગરપાલિકાની કાર્યવાહીને સફળ બનાવવા સદસ્ય ચેતનભાઇ ઠુંમર, સર્વેયર બિમલભાઈ જેઠવા, ધવલભાઈ પંખુડિયા, નીતિનભાઈ ઠાકર, હરવિજયસિંહ તેમજ શકિતસિંહ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(10:27 am IST)