Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

જામનગર માજી સૈનિકના ૨૧ મરજીવાઓનું ગ્રુપ સંકટ સમયની સાંકળ બનીઃ અનોખો સેવાયજ્ઞ

વડીલો આવશ્યક દવાઓ, ચીજવસ્તુઓ તેમના ઘરે જ પહોંચાડતા જામનગરના વહીવટી કર્મચારીઓ અને સૈનિકો

જામનગરઃકોરોના વાયરસ મહામારીમાં હાલ લોકડાઉનની વ્યાપક અસર હેઠળ અનેક વડીલો કે જેઓ એકલા રહે છે તેઓને પોતાના સ્વાસ્થ્ય માટે દવાઓની આવશ્યકતા સતત રહેતી હોય પરંતુ લોકડાઉનમાં બહાર જવાનું હિતાવહ પણ ન હોવાથી તેઓ સંકટમાં મુકાયા હતા.વયસ્કો, વૃદ્ઘો કે જેઓ બીમાર છે જેઓ બહાર પણ નીકળી નથી શકતા તેવા લોકો આ લોકડાઉનની પરિસ્થિતિમાં કોના સથવારે? પોતાને જોઇતી વસ્તુઓ તેમને કોણ લાવી આપે તેવો વિચાર તો દરેકને આવતો હશે પણ આ વિચારનેઙ્ગ વડીલોની સેવાના નિર્ધાર સાથે જામનગરના કલેકટરશ્રીએ જોડી દીધી છે.

કલેકટરશ્રી રવિશંકરે માજી સૈનિક મંડળના ૨૧ જેટલા માજી સૈનિકોનું ગ્રુપ બનાવ્યું છે અને જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નં. ૧૦૭૭ પર આવતી રજૂઆતો પૈકીની માહિતી સ્વયંસેવકોને પહોંચાડવામાં આવે છે. ફોન પર મળેલ વડીલની રજૂઆતને ધ્યાને લઇ તેમના નજીકના વિસ્તારના સ્વયંસેવકને ત્યાં મોકલવામાં આવે છે જેઓ આ વડીલો પાસેથી તેમના પ્રિસ્ક્રિપ્શન લઇ મેડિકલ સ્ટોર પરથી દવા લઈ અથવા તો તેમને કોઈપણ આવશ્યક વસ્તુઓની જરૂરિયાત હોય તો તે પણ ખરીદી લઈ અને તેમના નિવાસસ્થાને પહોંચાડે છે.

જામનગર વહીવટીતંત્ર, જિલ્લા સૈનિક વેલ્ફેર ઓફિસ અને હાલાર માજી સૈનિક સંસ્થાન દ્વારા ૩૦ માર્ચથી જામનગરના વડીલોને વહેલામાં વહેલી તકે તેમના ઘરે દવા અને ચીજવસ્તુઓ પહોંચાડી શકાય તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હાલ સુધીમાં જામનગર શહેરના વિવિધ વિસ્તારોના ૩૧ વડીલોને સૈનિકો દ્વારા તેમના ઘરે તેમની દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી.

તંત્ર અને સૈનિકો દ્વારા કરાતી વડીલોની સેવાના પ્રત્યુત્ત્।રરૂપે જામનગરના પટેલ કોલોનીના રહેવાસી વડીલશ્રી વિજયભાઈ ખાખરીયાએ કહ્યું કે,  મારી દવાએ મારી જીવનઆવશ્યક વસ્તુ છે ત્યારે માજી સૈનિકના સભ્યશ્રીઓ દ્વારા મને ખૂબ જ ઝડપથી દવા પહોંચાડવામાં આવી છે તે બદલ હું તેમનો આભાર માનું છું. માત્ર જામનગર શહેરમાં જ નહીં પરંતુ, તાજેતરમાં જ જામનગરના દિગ્વિજય પ્લોટના રહીશ પ્રમોદભાઈ ત્રિવેદીએ કંટ્રોલરૂમ પર ફોન કરી જણાવેલ કે તેમના પત્નીને ડાયાબિટીસ છે અને તેઓ હાલ વડોદરા ખાતેના ઘરે છે જયાં તેમને ડાયાબિટીસની તેમની દવા મળી રહી નથીઙ્ગ તેથી જામનગરના તેમના નિવાસસ્થાને રહેલી તેમની દવાઓ તેમને વડોદરા મોકલવા માટે મદદરૂપ થવા તંત્રને રજૂઆત કરી હતી. સૈનિક કલ્યાણ બોર્ડના કમાન્ડરશ્રી સંદીપ જયસ્વાલે આ અંગે અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયાને જણાવતા અધિક નિવાસી કલેકટરશ્રીએ તત્કાલ જ વડોદરા ખાતેના એ.ડી.એમ.શ્રી બી.આર.પટેલને આ અંગે વાત કરી દવા ઉપલબ્ધ કરાવવા માટે મદદરૂપ થવા વિનંતી કરતા જ વડોદરાના વહીવટી તંત્રએ પણ ખૂબ જ સહકાર આપી અધિક કલેકટરશ્રીના જણાવ્યા અનુસારની દવા ત્યાંથી ઉપલબ્ધ કરાવી અને વડોદરા એસ.ડી.એમ.એ વિનામૂલ્યે આ દવા માત્ર ૮ કલાકમાં જ વડોદરા ખાતેના તેમના નિવાસસ્થાને પ્રમોદભાઈના પત્નીને પહોંચાડી જે બદલ પ્રમોદભાઇ અને વડોદરાથી તેમના પત્નીએ અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, જામનગરના પ્રાંત અધિકારીશ્રી અને કમાન્ડરશ્રી સંદીપ જયસ્વાલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

કોરોનાની મહામારીમાં તંત્ર દ્વારા ઘરે રહેલા અને આ બીમારી સામેની લડતમાં સહયોગ આપતા આ વડીલોને તેમની આવશ્યક વસ્તુઓ ઘરે જ પહોંચાડી જનસેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરા પાડવામાં આવી રહયા છે.

પોતાના જીવનને જોખમમાં મુકી આ સૈનિકો અને વહીવટી તંત્રના આ સેવાયોગીઓ લોકોને સતત મદદ કરી રહ્યા છે તેમજ લોકોને સહાયરૂપ બની તેમના જીવનને સ્વસ્થ રાખવા માટેના સતત પ્રયત્ન કરી રહ્યા છે.

વડીલોની સેવા કરતા આ સૈનિકો અને વહીવટીતંત્રના કર્મયોગીઓ લોકો પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી રાખતા. તેઓ માત્ર એટલું જ કહી રહ્યા છે કે, અમે તમારા માટે સતત કાર્યરત છીએ બસ 'તમે ઘરમાં રહો અને સ્વસ્થ રહો.'

(11:37 am IST)