Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ખાંડ ભરેલ સલાયાના જહાજની ઇરાન પાસે જળસમાધી

તમામ ૧૦ ખલાસીઓનો બચાવ : 'ફેઝે તાઝુદ્દીન બાબા-૨' જહાજને ખરાબ હવામાનના કારણે દુર્ઘટના : કરોડોનું નુકસાન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૫ : સલાયાના 'ફેઝે તાઝુદ્દીન બાબા-૨' નામના ખાંડ ભરેલ જહાજે ઇરાન પાસે જળસમાધી લેતા કરોડોનું નુકસાન થયું છે. સદનશીબે ૧૦ ખલાસીનો બચાવ થયો છે.

સલાયાનું જહાજ ફેઝે તાઝુદ્દીન બાબા-૨ જેના રજીસ્ટ્રેશન નંબર B.D.I.1405 જેની અંદાજીત કિંમત ૬ કરોડ જેટલી થાય છે. જે વહાણ અંદાજીત ૧૦૦૦ ટનની કેપેસીટીનું હતું.

આ જહાજ તા. ૨૫-૧૨-૨૦૨૧ના રોજ મુંદ્રાથી ખાંડ ભરીને નિકળ્યું હતું. આ જહાજમાં ૧૦ જેટલા ખલાસી ભાઇઓ સવાર હતા. આ વહાણે મંગળવારના વહેલી સવારના ખરાબ હવામાનના લીધે ઇરાન પાસેના દરીયાઇ વિસ્તારમાં જળસમાધી લીધેલ છે.

જેમાં સવાર ખલાસી ભાઇઓનો બચાવ થયેલ છે. આ વહાણના ખલાસી ભાઇઓ તેમાં રહેલ લાઇફ બોટમાં સવાર થઇ પોતાનો જીવ બચાવેલ છે.

આ વહાણના માલીક હસન કાસમ ભોકલ છે. વહાણ ડુબવાના સમાચાર સલાયામાં મળતા વહાણપટ્ટી ભાઇઓ તેમજ ગ્રામજનોમાં ભારે દુઃખની લાગણી ફેલાઇ છે.

(1:03 pm IST)