Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ધ્રાંગધ્રાના ચુલી ગામ પાસે ભયંકર અકસ્માત :લકઝરી બસે અડફેટે લેતા રિક્ષાસવાર 2 મહિલા સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત

હવામાં ફંગોળાઈ રિક્ષાના કુરચે કુરચા ઉડી ગયા: રિક્ષામાં સવાર અન્ય 2 બાળકીઓને ગંભીર રીતે ઈજા: મૃતકો ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના વતની

અમદાવાદ-કચ્છ હાઇવે પર સર્જાયેલા ભયાવહ અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજયાં છે. લકઝરી બસે રીક્ષાને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઇ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

અમદાવાદ-કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રાના ચુલી ગામ પાસે થયેલો આ અકસ્માતમાં લકઝરી બસે રીક્ષાને જોરદાર ટકકર મારી હતી. જેથી હવામાં ફંગોળાઈ રિક્ષાના કુરચે કુરચા ઉડી ગયા હતા જેથી રિક્ષાસવાર 2 મહિલા સહિત 3ના ઘટના સ્થળે જ રૂવાડ ઊભા કરી દે તેવા મોત થયા હતા. રિક્ષામાં સવાર અન્ય 2 બાળકીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

હાઇવે પર ચુલી ગામ પાસે સર્જાયેલા આ ભયંકર અકસ્માતના મૃતકો ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના વતની હોવાનું ખૂલ્યું છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતકોની પીએમ અર્થે ખસેડી હાઇવે પર ટ્રાફિક હળવો કર્યો હતો. પોલીસે અકસ્માત મામલે હાલ વધુ તપાસ હાથધરી છે.

(12:02 am IST)