Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ઝેર પી લેનારી દિકરીને દવાખાનાને બદલે મંદિરે લઇ ગયા, પછી દવાખાને ખસેડી પણ જીવ બચી ન શકયો

વાંકાનેરના અગાભી પીપળીયાના દેવીપૂજક પરિવારમાં બનાવઃ સગાઇ બાદ મંગેતર સાથે ભાગેલી કનુએ મંગેતરના બીજા લફરાને કારણે ઝેર પી લીધું હતું: રાજકોટ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૪: વાંકાનેરના અગાભી પીપળીયા ગામે રહેતી કનુ ભારતીભાઇ જખાણીયા (ઉ.૧૮) નામની દેવીપૂજક યુવતિની પાંચ મહિના પહેલા વાંકાનેરના અરણીટીંબા ગામના સંજય રાયધનભાઇ વાજલીયા સાથે સગાઇ થઇ હતી. સગાઇ બાદ આ બંને ભાગી ગયા હતાં. એ પછી લગ્ન વગર જ કનુ મંગેતર સાથે રહેતી હતી. પણ મંગેતરને બીજી છોકરી સાથે લફરૂ થઇ જતાં તેણી પરત માવતરે આવી હતી અને મંગેતરની બેવફાઇને કારણે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનો તાકીદે દવાખાને લઇ જવાને બદલે પરા ગામે માતાજીના મંદિરે લઇ ગયા હતાં. બાદમાં ત્યાંથી કનુને વાંકાનેર હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજતાંં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. જો સમયસર મંદિરને બદલે હોસ્પિટલે ખસેડી હોત તો કદાચ કનુ બચી ગઇ હોત.

આપઘાત કરનાર કનુબેન ચાર ભાઇની એકની એક વચેટ બહેન હતી. તેના પિતા ભારતીભાઇ રાયમલભાઇ ભીક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોએ કહ્યું હતું કે કનુની સગાઇ પાંચ મહિના પહેલા અરણીટીંબાના સંજય સાથે થઇ હતી. સગાઇ બાદ તે કનુને ભગાડી ગયો હતો. એ પછી તેણી લગ્ન વગર જ તેની સાથે રહેતી હતી. પણ હવે સંજયને બીજી કોઇ છોકરી સાથે લફરૂ થઇ જતાં તે થોડા દિવસ પહેલા કનુને માવતરે મુકીને જતો રહ્યો હતો. આ કારણે આઘાત લાગતાં કનુએ ત્રણ દિવસ પહેલા ઝેર પી લીધું હતું. કોઇએ એવું કહ્યું હતું કે મંદિરે લઇ જવાથી સારું થઇ જાય, આથી તેને દવાખાનાને બદલે મંદિરે લઇ ગયા હતાં. પણ બાદમાં પરમ દિવસે વાંકાનેર હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં સાંજે મોત નિપજ્યું હતું. સરપંચને જાણ થતાં પોલીસને વાકેફ કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો છે.

(12:59 pm IST)