Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ઉનામાં ખાનગી ડોકટરોની હડતાલ દરમિયાન સરકારી હોસ્પિટલમાં ડોકટરોએ ૨૧ પ્રસૂતિ નોર્મલ કરાવી

૧૦૦થી વધુ દર્દીઓને સારવાર આપીઃ બંધને મિશ્ર પ્રતિસાદઃ બપોર બાદ દુકાનો ખૂલી ગઈ

ઉના, તા. ૪ :. સર્જન ડો. રસીકભાઈ વઘાસીયા ઉપર થયેલા હુમલાના બનાવમાં તમામ દવાના વેપારીઓ તાલુકા ગીરગઢડા તાલુકાનાના વેપારીઓએ બંધ પાળી ટેકો આપ્યો હતો. બંધને મિશ્ર પ્રતિસાદ મળેલ હતો. ઘણી દુકાનો, શાક માર્કેટ, ચા-પાન, ફરસાણવાળા બપોર બાદ ખુલ્લા રહ્યા હતા. ૩ દિવસના ખાનગી તબીબોએ સજ્જડ હડતાલ પર ઉતરી ગયા બાદ સરકારી દવાખાનામાં ડોકટરોએ ૨૧ પ્રસુતિ નોર્મલ કરાવી બાળકોને જન્મ અપાવ્યો. બે દિવસમાં ૧૦૦થી વધુ દર્દીઓને તપાસી સારવાર આપી ડોકટરોને સલામ...

ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના તમામ ડોકટરોએ તેમના દવાખાના-કલીનીક બંધ કરી ઈમરજન્સી સારવાર પણ બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપી હુમલાખોરો સામે નવા કાયદા મુજબનો દાખલ કરવા માંગ કરી હતી.

ત્રીજા દિવસે ડોકટરોની હડતાલને ઉના શહેર તાલુકા ગીરગઢડા તાલુકાના તમામ દવાઓના વેપારીએ ટેકો જાહેર કરી દુકાનો બંધ રાખી મેડીકલ સ્ટોર્સ સજ્જડ બંધ પાળ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉના બંધનું પણ એલાન આપેલ હતું. જેમાં અમુક બજારો બંધ રહી હતી અને અમુક વેપારીઓ, શાકમાર્કેટ, ચા-પાન, ઠંડાપીણા, હોટલો, ફરસાણ વિગેરે વેપારીઓ ચાલુ રહેતા મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હાલ મંદીની અસર વેપારીમાં જોવા મળે છે. નાણા ભીડથી વેપારી મુશ્કેલીમાં મુકાયો છે. તેમાય બંધના એલાનથી વેપારીઓના ધંધામાં ફટકો પડે છે. બંધ રાખવામાં આગળ છતા વેપારીઓના પ્રશ્નો હલ કરવામાં કેમ આગળ નહીં ? તેવો કચવાટ હતો. એસ.ટી. બસ સ્ટેશનમાં પાર્કિંગનો કોન્ટ્રાકટ ધરાવતા માણસો વેપારી પાર્સલ ઓફિસ બુક કરવા કે લેવા અને ટીકીટ બુક કરવા જાય છે તો વાહનના પાર્કિંગના પૈસા દેવા બાબતે માથાકુટ થાય છે. વેપારી ભોગ બને છે. પાર્કિંગ ચાર્જ દૂર કરવા સહિત પ્રશ્નો ચેમ્બર હાથમાં લ્યે તેવી માંગણી છે.

ઉનાના ડોકટરો ૩ દિવસથી હડતાલ ઉપર હોવાથી ઉનાની સરકારી હોસ્પીટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. સરકારી ડોકટરો દ્વારા બે દિવસમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૧ મહિલાઓ પ્રસૂતિ માટે દાખલ થતા નોર્મલ ડીલેવરી કરાવવા બાળકોનો જન્મ આપ્યો હતો. તેમજ શનિ, રવિ, સોમ ૩ દિવસમાં સંખ્યાબંધ ઓપીડી દર્દીઓને તપાસી દવાઓ આપી કામ કરતા સરકારી હોસ્પીટલના ડોકટરોને સેવા બદલ અભિનંદન મળી રહેલ છે.

ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના ડોકટરો, મેડીકલ સ્ટોર્સ એસો.ના પ્રમુખ વિજયભાઈ જોષી, ચેમ્બર પ્રમુખ પરસોતમભાઈ ઠુંમર, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ જેઠવાણી તથા ચેમ્બરના હોદેદારોએ પ્રાંત કચેરીએ જઈ રજૂઆત કરી હતી કે પોલીસના હુમલાની ફરીયાદ નોંધાય છે. તેમા પોલીસે ગુજરાત રાજ્યના કાયદા પ્રિવેન્સન્સ ઓફ વાયોલન અને ડેમેજ અને લુઝ ઓફ પ્રોપર્ટી ગુજરાત એકટ ૧૩,૨૦૧૨ મુજબ ૩, ૪, ૫ મુજબ ગુનો દાખલ કરેલ ન હોય તે કરવા માંગણી કરી છે નહિતર આવતા દિવસોમાં ગીર સોમનાથ જીલ્લાના ખાનગી તબીબો અને દવાખાનાના ડોકટરો બંધમા જોડાશે તેવી ચિમકી આપી છે.(૨-૩)

(12:54 pm IST)