Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના કાયદાના અમલીકરણ માટે જસદણ નેચર કલબની રેલી

(હુસામુદ્દીન કપાસી દ્વારા)જસદણ, તા. ૪ : તા. ૧થી ભારત સરકારે પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ રૂલ્‍સ અંતર્ગત સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના નિકાસ, ઉત્‍પાદન, વેચાણ કે વપરાશ ઉપર પ્રતિબંધ લગાવ્‍યો છે. આ કાયદાના અમલીકરણની જવાબદારી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થા નગર પાલિકાને સોંપી છે.

જસદણ નેચર કલબ દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધનું યોગ્‍ય અમલીકરણ થાય તે હેતુ થી પગપાળ રેલીનું યોજી હતી. આ રેલીમાં નેચર કલબના સભ્‍યો  શિક્ષકો, વેપારીઓ, ખેડૂતો, પર્યાવરણ પ્રેમીઓ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો વિવિધ સ્‍લોગનવાળા બેનરો લઈ નવા બસ સ્‍ટેશનથી મેઈન બજારમાંથી પસારથી પાલિકા કચેરીએ ચીફ ઓફિસર તથા પ્રમુખને આવેદનપત્ર આપ્‍યું હતું.

 સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની લોકજાગળતિની રેલીમાં ૨૫ થી વધારે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે જાગળત લોકો જોડાયા હતા. નેચર કલબના ઘનશ્‍યામભાઈ જેબલિયા(પ્રમુખ), જયંતભાઈ મોવલિયા (ઉપપ્રમુખ), શત્રુઘ્‍નભાઈ જેબલિયા (સેક્રેટરી)એ લોકોને સાથે મળી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ બંધ કરવા, કાપડની થેલી વાપરવા, ખરીદીના સામાન માટે પ્‍લાસ્‍ટિકની થેલી વેપારી પાસેથી ન માંગવા  કે લેવા તેમજ જવાબદારી પૂર્વક કાયદાનું પાલન કરી ગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવાની અપીલ કરી હતી.

(11:57 am IST)