Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ધોરાજીમાં ડમી વિદ્યાર્થીના નામો ઉમેરી ક્લાસ વધારવાનું કૌભાંડ ઝડપાયું

સિરોયા કન્યા વિદ્યામંદિરમાં 25 જેટલા બોગસ વિદ્યાર્થીઓના નામ ખુલ્યા :નામ કમી કરવાની કાર્યવાહી : ગ્રાન્ટ કાપી લેવાઈ :સરકારને રિપોર્ટ કરાયો

રાજકોટ ;ધોરાજીમાં ડમી વિદ્યાર્થીઓના નામો ઉમેરીને ક્લાસ વધારવાનું કૌભાંડ ઝડપાયું છે ક્લાસ વધારીને સરકારી ગ્રાન્ટ હડપ કરી જવાનું કારસ્તાન બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે બોગસ વિદ્યાર્થીઓના નામ કમી કરવા કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે સરકારને રિપોર્ટ સુપ્રત કર્યો છે.

મળતી વિગતો મુજબ ધોરાજીની સિરોયા કન્યા વિદ્યામંદિરમાં ડમી વિદ્યાર્થીના નામો ઉમેરી કલાસ વધારવાનું કારસ્તાન બહાર આવ્યું છે તપાસ દરમિયાન 25 જેટલા બોગસ વિદ્યાર્થીઓના નામ બહાર આવ્યા છે આ મામલે ડીઈઓને ફરિયાદ મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

વધુમાં મળતી વિગત મુજબ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓના નામ રાજકોટના ધોરાજીની વી.જે.સિરોયા કન્યા વિધામંદિરમાં હોવાનું આવ્યું બહાર આવ્યુ છે. ડમી વિદ્યાર્થીના નામે સરકારી ગ્રાન્ટ પણ લેવામાં આવતી હોવાનું ખુલતા DEO દ્વારા શાળામાં ડમી વિદ્યાર્થીના નામ કમી કરવાની કાર્યવાહી શરુ કરાઈ છે.  હાલ શાળાને નોટીસ અપાઈ છે અને ડમી વિદ્યાર્થીના નામે લેવામાં આવેલી ગ્રાન્ટ કાપી લેવાઈ છે સરકારમાં સમગ્ર મામલે રિપોર્ટ પણ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ ખાનગી શાળામાં ફી નિયમનનો મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેવી સ્થિતિ વચ્ચે ખાનગી શાળાઓ તગડી ફી વસુલ કરીને બાળકોને અભ્યાસ માટે રાખે છે. આવા વિદ્યાર્થીઓના નામ અન્ય સરકારી શાળામાં રાખીને એક કૌભાંડ આંચરાતુ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આવા વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટેડ શાળા દ્વારા ખાનગી શાળાઓ પાસેથી ફી વસુલ કરવામાં આવે છે જ્યારે તેના નામે ગ્રાન્ટ વસુલ કરીને બમણી કમાણી કરવામાં આવે છે. બીજી તરફ ખાનગી શાળાઓ ૫ણ વાલીઓ સાથે છેતરપીંડી આંચરી રહી છે. ત્યારે આ સમગ્ર કૌભાંડની તપાસ થાય તો અનેકના ૫ગ નીચે રેલો આવે તેમ છે.

(10:34 am IST)