Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગુજરાત શાંતિ અને સમૃધ્ધિથી શોભી રહયું છે, ગુજરાતની દિવ્યતા અને ભવ્યતા તપસ્વીઓને આભારીઃ ભાવનગરમાં ૧૮૦ ઉપવાસનું તપ કરનાર પીન્કીબેન શાહને વિજયભાઇ રૂપાણીના હસ્તે પારણા

ભાવનગરઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, પર્યુષણનું પર્વ આધ્યાત્મિક ચેતના જગાડનાર, પ્રેમ, કરુણા, અનુકંપા અને મૈત્રીભાવ પ્રસરાવનારુ પર્વ છે.ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંદ્ય ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા તેઓના ધર્મપત્ની શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ પિન્કીબેન શાહને પારણા કરાવ્યા હતા. પિન્કીબેન શાહના ૧૮૦ દિવસના ઉપવાસના ઉગ્ર તપને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આવુ ઉગ્રતપ વર્ષો બાદ ભાગ્યે જ જોવા મળતું હોય છે જેના પારણા કરાવવાનો અવસર સૌભાગ્ય સમાન છે. તીર્થંકરો અને ગુરુ ભગવંતોની કૃપાથી પિન્કીબેન શાહ ૧૮૦ દિવસના ઉપવાસની ભિષ્મ તપશ્યર્યા કરી શકયા તે બદલ અભિનંદનને પાત્ર છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની પવિત્રતા, દિવ્યતા અને ભવ્યતા આવા તપસ્વીઓ થકી છે અને આથી જ ગુજરાત શાંતિ અને સમૃધ્ધિથી શોભી રહ્યું છે. રાજય સરકારે જીવહિંસા રોકવા કડક નિયમો બનાવ્યા છે તીર્થસ્થાનોની પવિત્રતા જળવાય તે માટે આવશ્યક પગલાં ભર્યાં છે. પર્યાવરણ-પ્રકૃતીની જાળવણી, અહિંસા, અપરિગ્રહ, અનેકાંત, તમામ જીવોને અભયદાન એ નીતિ-રીતિથી રાજય સરકાર આગળ વધી રહી છે.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સંતો-ભગવંતો દ્વારા પ્રબોધિત સત્ય, ન્યાય અને અહિંસાના આદર્શો પ્રમાણે રાજયનું શાસન ચલાવવાની નેમ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ન્યુ-ઇન્ડિયાના સપનાને પરિપૂર્ણ કરવા ગુજરાત પ્લાસ્ટિક મુકત-પ્રદૂષણ મુકત થઈ હરિયાળું રાજય બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

(4:00 pm IST)