Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મોરબીના મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમના દરવાજા ખોલાયાઃ૨૦ ગામોને એલર્ટ

રાત્રીના વરસાદ અને ઉપરવાસની આવકને પગલે ડેમમાં નવા નીરની આવકથી દરવાજા ખોલાયા

મોરબી ,તા.૩: જીલ્લામાં રવિવારે રાત્રીથી પુનઃ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે મોરબી જીલ્લાના ડેમો ઓગસ્ટ માસમાં જ ભરાઈ ગયા હતા અને ગત રાત્રીથી શરુ થયેલા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે મોરબીના મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી

મોરબીમાં રવિવારે રાત્રીથી સોમવારે સાંજ સુધીમાં મોરબી પંથકમાં ૪૯ મીમી, વાંકાનેરમાં ૩૩ મીમી, ટંકારામાં ૫૯ મીમી અને માળિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે જોકે હળવદ પંથકમાં વરસાદ વરસાદ નોંધાયો નથી ગત રાત્રીથી શરુ થયેલા વરસાદને પગલે મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે મોરબી-વાંકાનેરમાં વરસાદ તેમજ ઉપરવાસની પાણીની આવકને પગલે મોરબીના મચ્છુ ૨ ડેમના ચાર દરવાજા બે ફૂટે ખોલવામાં આવ્યા છે જયારે મચ્છુ ૩ ડેમના ૪ દરવાજા ૧.૫ ફૂટે ખોલવામાં આવ્યા છે

મચ્છુ ૩ ડેમ ઓવરફલો થયો છે તેમજ ડેમમાં ૧૪૦૮ કયુસેક પ્રવાહની આવક છે અને હાલમાં ડેમમાંથી ૨૮૧૭ કયુસેક પ્રવાહ છોડવામાં આવે છે ત્યારે ડેમની હેઠવાસમાં આવેલ ૨૦ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં મોરબીના ગોર ખીજડીયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર (નદી), અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવદરકા, ફતેપરા અને માળિયા (મી.) તેમજ હરીપર સહિતના ૨૦ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે

મોરબીમાં મેદ્યમહેર મોરબીવાસીઓ માટે ેમેઘકહેર સાબિત થાય છે મેદ્યરાજાની નવી ઇનિંગ શરુ થઇ છે ત્યારે ફરીથી મોરબીના રસ્તાઓ પાણી પાણી થયા હતા અનેક સ્થળે તૂટેલા રોડ પર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

(11:37 am IST)