Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

જામનગરમાં ખંભાળિયા નાકા પાસે શનિવારે લૂંટારૂ ત્રાટકયા: તબીબ દંપતીના બંગલાની રખેવાડી કરતા ચોકીદારની હત્યા, કારની લૂંટ

ઝપાઝપીના નિશાન મળ્યા, દંપતી પાંચ દિવસથી મુંબઇ ગયું હતું

જામનગર તા.૩: જામનગર શહેરમાં ખંભાળિયાના નાકા પાસે આવેલા ડોકટર દંપતીના ડેલામાં ગતરાત્રીએ અજાણ્યા શખ્સોએ ચોરીના ઇરાદે ઘૂસી ચોકીદારી કરી રહેલા વૃધ્ધાની હત્યા નીપજાવી બંગલામાં શોધખોળ કરી હતી, પરંતુ કંઇ હાથ ન લાગતા ડેલામાં પડેલી હોન્ડા સિટી કાર ઉઠાવી ગયા હતાં. પોલીસને આ અંગેની જાણ થતા જ સ્થાનિક પોલીસ, એલસીબીના ધાડા ઉતરી પડ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘરના માલિક ડોકટર દંપતી ૫ દિવસથી મુંબઇ ગયા હોય ચોકીદાર સિવાય અન્ય કોઇ ન હોતું.

જામનગરના ખંભાળિયા નાકા પાસે આવેલા ડો.નરોતમભાઇ અને ડો.નિલબેન બક્ષીના ડેલામાં લાશ પડી હોવાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જ્યાં વૃધ્ધની લાશ પડી હતી અને ઘરના તૂટેલા નકૂચા અને વૃધ્ધ સાથે થયેલી ઝપાઝપીમાં તૂટેલો મોબાઇલ મળી આવ્યો હતો. પોલીસે વૃધ્ધ અંગે તપાસ કરતા પુષ્કરધામ સોસાયટી શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા ત્રિભુવનભાઇ વિઠ્ઠલભાઇ બકરાણિયા (ઉ.વ.૬૨) હોવાનું અને ડેલામાં તેઓ ચોકીદારી કરતા હોવાનું ખુલ્યું હતું. ઘરના માલિક ડોકટર દંપતી ૫ દિવસથી મુંબઇ ગયા હતા. ગતરાતે કોઇ અજાણ્યા શખ્સોએ ડેલામાં પ્રવેશ કરી વૃધ્ધ સાથે ઝપાઝપી કરી તેનું ગળુ દબાવી હત્યા નીપજાવી ઘરમાં ઘૂસ્યા હતા. પરંતુ ઘરમાં કંઇ હાથ લાગ્યું ન હતું. બાદમાં હત્યારાઓએ ફરિયામાં હોન્ડા સિટી કાર જીજે-૧૦ એપી-૮૧૭૨ રૂ.૫ લાખની કિંમતની ઉઠાવી નાસી છૂટ્યા હતા. પોલીસે ચોકીદારના પુત્રની ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.(૨.૪)

પોલીસે ચોકીના ૧૦૦ મીટરના અંદરની ઘટના

ચોરી અને લૂંટની આ ઘટના જ્યાં બની તે ડેલો ખંભાળિયા ગેટ પોલીસ ચોકીની સામે ૧૦૦ મીટરની અંદર આવેલી છે. હત્યા કર્યા બાદ  ૧૨ થી ૧૫ ફૂટ તેની લાશ ઢસડીને નાખી દેવામાં આવી હતી. ડો.નરોતમભાઇ અને ડો.નીલાબેન બક્ષીના ડેલામાં લગાડવામાં આવેલા કેમેરા બંધ હાલતમાં હતા હવે પોલીસ શહેરભરના રસ્તાઓ પરના કેમેરાની ચકાસણી કરી રહી છે. જેમાં કાર છેલ્લે લાલપુર બાયપાસ સુધી દેખાઇ છે.(૨.૪)

(12:19 pm IST)