Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

અમરેલીમાં મહિલા સશકિતકરણ પખવાડીયાની શાનદાર ઉજવણી

અમરેલી ખાતે મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

અમરેલી,તા.૦૩: તા.૧ લી થી ૧૪મી ઓગસ્ટ ૨૦૧૯ સુધી મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે તેના અનુસંધાને આજે બીજા દિવસે અમરેલી જિલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન મહીલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમો અંતર્ગત આજરોજ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતેથી એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી શહેરી વિસ્તારોના મુખ્ય માર્ગો પર થઈને તાલુકા હેલ્થ કચેરીએ પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં દીકરો દીકરી એક સમાન, મહિલા અને કિશોરીઓનું સ્વાસ્થ્ય સારું રહે તે ધ્યેય ને સાર્થક કરવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત શહેરની મોંદ્યીબા આર્ટસ કોલેજ ખાતે એક નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, મહીલા કોલેજના પ્રિન્સીપાલ તેમજ આઇસીડીએસ સ્ટાફ તથા મહીલા કોલેજના પ્રોફેસરશ્રી દ્વારા સંયુકત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહીલા કોલેજની ૨૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ દિકરી બચાવો અંતર્ગત સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા અંગેની સમજ આપી હતી. તંદુરસ્ત દિકરીના જન્મ માટેની પૂર્વ તૈયારી અંગેની સમજ આપી હતી. ત્યારબાદ તમામ કિશોરીઓને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રીએ સમાજમા નારીનું મહત્વ વધે તેમજ નારીને સરકાર તરફથી મળતા લાભ અંગેની જાણકારી આપી હતી.  જન જાગૃતી અર્થે તમામ વ્યકિત સુધી સંદેશો પહોચાડવા, જેમણે ૩૨૪ નાટકો ભજવેલ છે તેવા પૂર્વી આર્ટ થીયેટર્સના કલાકારો દ્વારા દિકરી જન્મી આંનદો થીમ પર હૃદયસ્પર્શી નાટક યોજવામાં આવ્યું હતું. નાટકના અંતે તમામ ઉપસ્થીત કિશોરીઓને દિકરી અને દિકરો એક સમાન વિશે ઉંડી સમજ આપવામા આવી હતી.

અંતમા આઇસીડીએસ શાખાના ડીપીસી શ્રી હિરલબેન અજમેરા દ્રારા કાર્યક્રમમાં હાજર રહેલ તમામ કિશોરીઓને  બેટી બચાઓ બેટી પઢાઓ માટેની શપથ લેવડાવવામા આવ્યા હતા. ત્યારબાદ મહીલા કોલેજના પ્રોફેસરશ્રીએ આભારવિધી સાથે કાર્યક્રમની ઉજવણીને સફળ બનાવવામાં આવ્યો હતો.

(1:16 pm IST)