Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

કચ્છમાં એટીએમમાંથી ૨૫ લાખની ચોરીઃ જુનાગઢમાં તોડવાનો પ્રયાસ

ગાંધીધામમાં એકસીસ અને સેન્ટ્રલ બેન્કના એટીએમને નિશાન બનાવતા તસ્કરોઃ પડાણામાં એટીએમ સળગાવ્યુ

ભુજ તા.૩: ગાંધીધામમાં એક સાથે બે એટીએમમાંથી લાખો રૂપિયાના ચોરીના બનેલા બનાવે ચકચાર સર્જી છે. તસ્કરોએ ગાંધીધામના પડાણા રોડ પરના એકિસસ બેંક અને સેન્ટ્રલ બેંકના એટીએમને નિશાન બનાવ્યા હતા.

પોલીસે હાથ ધરેલી તપાસની પ્રાથમિક માહિતી મુજબ એકિસસ બેંકના એટીએમમાંથી ૧૭ લાખ અને સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી ૮ લાખ એમ કુલ ૨૫ લાખની ચોરી થઇ છે.

એક સાથે બબ્બે બેંકોના એટીએમમાંથી લાખો રૂપિયાના ચોરીના બનાવે ગાંધીધામ સહિત સમગ્ર કચ્છમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસ બનાવના સ્થળે દોડી ગઇ છે. પડાણામા એટીએમને સળગાવી નાંખતા ચકચાર જાગી છે.

જુનાગઢ

જૂનાગઢમાં બેંક ઓફ ઇન્ડિયાનું મોડી રાત્રે એટીએમ તોડવાની કોશિષ થઇ હોવાનું અને તસ્કરો ડીવીઆર ચોરીને ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો એવી છે કે, જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચનું એટીએમ મોડી રાત્રે તૂટયુ હોવાની જાણ થતા સી-ડીવીઝનના પીએસઆઇ આર.એમ.ચૌહાણ સ્ટાફ સાથે તાત્કાલીક દોડી ગયા હતા.

પ્રાથમિક તપાસમાં એટીએમ તોડવાની કોશિષ થઇ હોવાનું જણાયુ હતું અને કારી નહી ફાવતા તસ્કરો એટીએમ સેન્ટરનુ ડીવીઆર ચોરીને નાસી ગયા હોવાનું માલુમ પડ્યુ હતુ.પીએસઆઇ ચૌહાણે જણાવેલ કે, એટીએમ તોડવાની કોશિષ થઇ છે. પરંતુ રોકડ રકમ ગઇ નથી. અને ડોગ વગેરેની મદદ લઇને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.(૧.૩૧)

(3:47 pm IST)