Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સુરેન્દ્રનગરમાં આદર્શ ક્રેડીટ કો.ઓ. સોસાયટીની શાખાને તાળા મારી દેવાતા ફફડાટ

વઢવાણ, તા. ૩ :. શહેરની સી.જે. હોસ્પીટલ સામે જ આવેલા ક્રિષ્ના કોમ્પલેક્ષમાં આદર્શ ક્રેડીટ કો.ઓ. સોસાયટીની શાખા ખોલવામાં આવેલ હતી.

આ શાખામાં એજન્ટો નિમણૂક કરી લાખો રૂપિયાનું રોકાણ ગ્રાહકો પાસે કરાવવામાં આવેલ હતુ. જેના આર.બી.આઈ.ના નિયત દર કરતા પણ વધુ વ્યાજ આપી અને રોકાણ ગ્રાહકોને વિશ્વાસમાં લઈને કરાવવામાં આવતુ હતુ. જેના કારણે અનેક ખાતેદારોએ લાખો રૂપિયાનું રોકાણ કરેલ હતું.

તે દરમ્યાનમાં રોકાણકારોએ અમદાવાદ સ્થિત સી.આઈ.ડી. ક્રાઈમ કચેરીને ફરીયાદ નોંધાવવા માટે ઉમટી પડયા હતા ત્યારે બીજી બાજુ સી.આઈ.ડી. ક્રાઈમે ભોગ બનનાર રોકાણકારોને ફરીયાદ કરવા માટેની અપીલ કરવામાં આવેલ હતા.

ત્યારે સુરેન્દ્રનગર સ્થિત શાખા અચાનક જ તાળુ લાગી જતા ગ્રાહકોમાં ભારે ફફડાટ સાથે હાલમાં દોડધામ મચી જવા પામેલ છે. જેના કારણે દાળમીલ વઢવાણ ૮૦ ફુટના રોડ વિસ્તારમાં એજન્ટો દ્વારા એક બેઠક બોલાવવી પડેલ છે.

શાખામાં ખાતેદારોએ રિકરીંગ ખાતામાં જે રોકાણ કરીને ફીકસ ડિપોઝીટ જે ચુકવવામાં આવેલ છે. જેમાં શૈલેષભાઈ શાહ, નિરવ વ્યાસ સહિતનાઓએ જણાવેલ છે કે, આ ડીપોઝીટ રિકરીંગના નાણા પરત ન ચૂકવાતા ભારે રોષ હાલમાં વ્યકત કરવામા આવ્યો છે. સી.આઈ.ડી. ક્રાઈમના કે.જે. પટેલે જણાવ્યુ હતુ કે સુરેન્દ્રનગરના ખાતેદારો, રોકાણકારોને જ્યારે આ અગાઉ ફરીયાદ કરવા માટે જણાવવામાં આવેલ હોવા છતા પણ ફરીયાદ કરવા આગળ ન આવેલ અને જાહેર અપીલ કરવામાં આવેલ હોવા છતા પણ એજન્ટોના જ વિશ્વાસમાં રહ્યા હતા ત્યારે હાલમાં આદર્શ ક્રેડીટ કો.ઓ. સોસાયટીની આ સુરેન્દ્રનગર શાખાને અચાનક જ આ તાળા લાગતા એજન્ટો અને ગ્રાહકો બન્ને ફસાયા છે ત્યારે આ શાખાના એજન્ટો હવે બચવા અને ગ્રાહકોને ખાતરી અપાવવા માટે હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ શાખાના સહારે આવ્યા હોવાનું હાલ જાણવા મળેલ છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરના સી.જે. રોડ ઉપર આવેલ આ શાખાનું બંધ થવાનુ ચોક્કસ કરવા માટે ગ્રાહકોના ટોળેટોળા ઉમટી પડયા છે ત્યારે હાલ તો એજન્ટો અને ગ્રાહકો બન્ને સોસાયટીની આ શાખા બંધ થતા ફસાયા છે.

(1:12 pm IST)