Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

વલ્લભીપુર-ઉમરાળા-બરવાળામાં-૨, બોટાદ-કાલાવડમાં ૧ ઇંચ

વાંકાનેરના કાનપરમાં વિજળીએ મહિલાનો ભોગ લીધોઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદની ચાતક નજરે રાહઃ મિશ્ર વાતાવરણનો માહોલ

પ્રથમ તસ્વીરમા વાંકાનેર અને બીજી તસ્વીરમાં જસદણ પંથકમા પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર, હુસામુદ્દીન કપાસી-જસદણ)

રાજકોટ તા.૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ પડી જાય છે આવા વાતાવરણ વચ્ચે મિશ્ર રૂતુનો અનુભવ થઇ રહ્યો છે કાલે રાત્રીના ભાવનગર, બોટાદ જીલ્લામા ઝાપટાથી ૨ ઇંચ તથા જામનગરના કાલાવડમાં ૧ ઇંચ તથા સાવરકુંડલાના હળવા ઝાપટા વરસ્યા છે.

જયારે કાલે સાંજના સમયે જસદણના સરધાર, રાજકોટના પડધરી, મોરબીના વાંકાનેર તથા રાજુલા પંથકમા ભારે વરસાદ વરસ્યો હતો.

રાજકોટના સરધારમાં સતત બીજા દિવસ સાંબેલાધાર વરસાદ થયો હતો. ભારે પવન સાથે વરસાદને પગલે ખેડુતોમાં ખુશી જોવા મળી છે. સરધારની બજારમાં ધીંચણ સુધી પાણી ભરાયા છે.

પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો ૨.૫ થી ૩ ઇંચ વરસાદ થતા અનેક નદીઓમાં નવાનીર આવ્યા. ખંઢેરી, નારણકા, બાધી, ડુંગરકા, રંગપર સહિતના ગામોમાં વરસાદ થયો. નદીમાં પાણી આવતા ખેડુતોમાં આનંદ છવાયો છે.

ભાવનગર

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળામાં બે ઈંચ વરસાદ પડયો છે, જ્યારે ગારીયાધારમાં અડધો ઈંચ વરસાદ પડયો છે.

ગોહિલવાડ પંથકમાં દિવસભર મેઘવિરામ રહ્યા બાદ ગઈ રાત્રે વલ્લભીપુર અને ઉમરાળામાં અડધાથી બે ઈંચ વરસાદ પડયો છે. સમયાંતરે પડી રહેલા વરસાદને કારણે ધરતીપુત્રો ખુશ છે. જળાશયોમાં નવા નીરની આવક પણ થવા પામી છે. પરવડી ગામે ભારે વરસાદથી ત્રણ વિજપોલ ધરશાઈ થયા હતા. મહુવા પંથકમાં કેટલાક ગામોમાં પણ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. ભાવનગર શહેરમાં વરસાદ નહિ પડતા નગરજનોએ નિરાશા અનુભવી હતી. ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ૫૬ મી.મી., ઉમરાળામાં ૪૪ મી.મી. અને ગારીયાધારમાં ૯ મી.મી. વરસાદ નોંધાયો છે.

વાંકાનેર

વાંકાનેરઃ વાંકાનેરમાં ગઈકાલે સાંજે સાત વાગ્યાથી શરૂ થયેલ ગાજવીજ સાથેના ધોધમાર વરસાદથી એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ, જ્યારે વાંકાનેર આજુબાજુના ગ્રામ્ય  વિસ્તારમાં કડાકા ભડાકા સાથે બે થી અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.

વાંકાનેરના કાનપરમાં વિજળી પડતા ૨૭ વર્ષીય એક પરીણિતાનું મોત થયુ હતું.

વાંકાનેરથી માત્ર ૧૨ કિ.મી. દૂર કાનપર ગામના ખેતરેથી ઘેર આવી રહેલી મોમીન માથકીયા નુસરતબેન ઈમ્તીયાઝ (ઉ.વ. ૨૭) પર વિજળી પડતા સારવાર દરમ્યાન તેણીનુ મૃત્યુ થયુ હતુ. જ્યારે મૃતક સાથે જ ખેતરથી ઘેર આવી રહેલી તેણીની જેઠાણીને હાથપગમાં ધ્રુજારી અનુભવાઈ હતી.

વાંકાનેરમાં વરસાદ દરમિયાન રાબેતા મુજબ બે કલાક લાઈટ ગૂલ થયેલ. આજે સવારે પણ લાઈટ ગૂલ થયેલ છે. આજે સવારે પણ આભમાં વાદળોની જમાવટ સાથે બફારો અનુભવાઈ રહ્યો છે.

છેલ્લા ચાર - પાંચ દિવસથી અતિગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણમાં લોકો પરસેવે રેબઝેબ બની જતા હતા આજે બપોરે પણ અસહ્ય ગરમી બાદ સાંજે ૭.૦૦ વાગ્યે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળાડીબાંગ વાદળો અને ગાજવીજના કડાકા ભડાકા સાથે સાડા સાત વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને અડધો કલાકમાં એક ઈંચ વરસાદ પડી જતા રસ્તા પરથી વહેવા લાગ્યા હતા સાથે ગરમીથી ત્રસ્ત લોકો વરસાદમાં ન્હાવા રસ્તા ઉપર આવી ગયા હતા.

મોરબી

મોરબીઃ મોરબી અને વાંકાનેરમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેમાં વાંકાનેરમાં વીજળીના કડકાભડાકા સાથે વરસાદ પડયો હતો ત્યારે વિજળી પડવાથી એક મહિલાનું મોત નિપજ્યુ હતુ, તો મોરબીમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો.

વાંકાનેર પંથકમાં ૨૭ એમ.એમ. વરસાદ વરસ્યો હતો તો મોરબી આખા દિવસના ઉકળાટ બાદ મોડી રાત્રે ૪ એમ.એમ. વરસાદ અને ટંકારા તાલુકા પણ ૪ એમ.એમ. વરસાદ વરસ્યો હતો. આમ વરસાદ પડવાથી થોડી રાહત મળી હતી.

જસદણ

જસદણઃ જસદણના આંબરડી ગામે મંગળવારે સાંજે જોરદાર વરસાદ પડતાં ગામમાં ગોઠણબુડ પાણી ભરાયા હતા સાંજે અડધી કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા ઘડીકમાં ચોમેર પાણી પાણી થઇ ગયું હતું આજુબાજુના નવાગામ સહિતના સિમ વિસ્તારોમાં ૬ ગામોમાં અડધોથી એક ઇંચ વરસાદ પડયાના વાવડ છે.

જામનગર

જામનગરઃ શહેરનુ આજનું હવામાન ૩૬.૪ મહતમ-૨૮.૨ લઘુતમ, ૭૯ ટકા વાતાવરણમાં ભેજનુ પ્રમાણ-૧૨.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

છેલ્લા ૨૪ કલાકમા પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ભાવનગર

ઉમરાળા

૪૪ મીમી

ગારીયાધાર

૯ મીમી

વલ્લભીપુર

૫૬ મીમી

બોટાદ

બરવાળા

૫૦ મીમી

બોટાદ

૨૨ મીમી

રાણપુર

૧ મીમી

જામનગર

કાલાવડ

૨૨ મીમી

અમરેલી

સાવરકુડલા

૯ મીમી

(11:53 am IST)