Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

કાલે બોટાદનાં ગિરનારી આશ્રમ શ્રી જગન્નાથ મંદિરેથી રરમી રથયાત્રાનું પ્રસ્થાન

બોટાદ તા.૩ : ગિરનારી આશ્રમ શ્રી જગન્નાથ મંદિર બોટાદ ખાતેથી તા. ૪ના નિકળનાર રરમી રથયાત્રાને બોટાદ કાઠી ક્ષત્રીય સેનાના પ્રમુખ રથયાત્રા સમિતિના ઉપપ્રમુખ સામતભાઇ જેબલીયા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતો મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારે ૭-૧૫ કલાકે લીલીઝંડી ફરકાવી રરમી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. આ રથયાત્રા અનુસંધાને બોટાદ જીલ્લા કલેકટર કચેરીએ બોટાદ અને ગઢડાના રથયાત્રાના આયોજકો અને દરેક ક્ષેત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાયેલ તેમા બોટાદ જીલ્લા કલેકટરશ્રી તથા બોટાદ જીલ્લા પોલીસ વડાશ્રી તથા બોટાદ જીલ્લા નાયબ પોલીસ વડાશ્રી તથા બોટાદ તથા ગઢડાના મામલતદારશ્રીઓ તથા બંને તાલુકાના ન.પા.ના પ્રમુખશ્રીઓ તથા ચીફ ઓફીસરોશ્રી તથા જીઇબીના અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીશ્રી તથા એસટી વિભાગના અધિકારીઓ અને બોટાદ ગઢડાના રથયાત્રા કમીટીના સભ્યો વગેરે ઉપસ્થિત રહી વિવિધ અધિકારીશ્રીઓને પ્રાથમિક સુવિધા જેવી કે લાઇટ પાણી રસ્તા આરોગ્ય પોલીસ બંદોબસ્ત અને રખડતા ઢોર અંગે રજૂઆત કરેલ અને દરેક અધિકારીશ્રીઓએ માંગણી મુજબનું દરેક કાર્ય કરી રથયાત્રા શાંતીથી સંપન્ન થાય તેવી ખાત્રી આપેલ.

આ રથયાત્રા ગિરનારી આશ્રમ જગન્નાથ મંદિરેથી નીકળીને પાળીયાદ રોડ થઇને બોટાદ નગર તરફ પ્રયાણ કરશે. આ રથયાત્રાનું દરેક વિસ્તારમાં વિવિધ જ્ઞાતિઓના આગેવાનો સ્વાગત કરશે. તેવી જ રીતે રથયાત્રા પાળીયાદ રોડ શુભમ કોમ્પલેક્ષ ખાતે આવશે ત્યારે ત્યા બોટાદ કાઠી ક્ષત્રીય સેનાના પ્રમુખ શ્રી રથયાત્રા સમિતિના ઉપપ્રમુખ સામતભાઇ જેબલીયા દ્વારા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને બળદેવજીનું અને રથયાત્રામાં ઉપસ્થિત સંતો મહંતોનું ફુલહારથી સ્વાગત કરી દરેક રથયાત્રીકોને દુધ કોલ્ડ્રીંકસ પીવરાવી અંતરના આશિર્વાદ પ્રાપ્ત કરશે ત્યાંથી આગળ રોકડીયા હનુમાથી હવેલી ચોક ખાતે પહોચશે.

આ રથયાત્રામાં સામેલ અખાડાના સંતો મહંતો દ્વારા અંગ કસરત કા કરતબો અને દાવપેચ કરી ઉપસ્થિત નગરજનોના દિલ હરી લેશે. આ રથયાત્રા બોટાદના રાજમાર્ગો પર ફરી બપોરે ર કલાકે આશ્રમ ખાતે પરત ફરી ધર્મસભામાં ફેરવાશે તો આ રથયાત્રામાં બોટાદ શહેર જીલ્લા તાલુકામાંથી બહોળી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહેશ.

આજે બુધવારે માતાજીનો નવરંગ માંડવો અને ડાકડમરૂનો કાર્યક્રમ રાખેલ છે અને દરેક રથયાત્રીકોને પ્રસાદ (જમવાની) વ્યવસ્થા ગિરનારી આશ્રમ ખાતે કરાયેલ છે તેમ બોટાદના કાઠી ક્ષત્રીય સેનાના પ્રમુખ તથા રથયાત્રા કમીટીના ઉપપ્રમુખ સામતભાઇ જેબલીયા તથા ગીરનારી આશ્રમના નવનિયુકત મહંત શ્રી રાજગીરીબાપુની યાદીમાં જણાવ્યું છે.

(11:38 am IST)