Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

વાંકાનેર સરકારી હોસ્પિટલના સેવાભાવી ડો.એ.જે.મસાક પુત્રને નિવૃત વિદાયમાન

વાંકાનેર તા.૩ : સરકારી હોસ્પિટલમાં સતત ૩૫ વર્ષ સુધી ડોકટર તરીકે સેવા આપનાર ડો.એ.જે.મસાકપુત્રા વય મર્યાદાને લઇ નિવૃત થતા ધાર્મિક સેવાકીય સંસ્થા દ્વારા ગાયત્રી શકિતપીઠ ખાતે તેમનું અદકેરૂ સન્માન કરાયુ હતુ.

ટોળ ગામના ખેડૂતપુત્ર અને તબીબી ફરજને સેવા પરમ ધર્મ  ગણી સરકારી હોસ્પિટલ સતત ૩૫ વર્ષ સુધી પોતાના મળતાવડા સ્વભાવ સાથે દર્દીઓ સાથેનો તેનો પ્રેમાળ વ્યવહાર થકી દર્દીઓનું અડધુ દર્દ તો આ ડો.મસાકપુત્રાની વાણીથી હળવુ થઇ જતુ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ દર્દી સાથે માનવતા ભર્યા કાર્યથી તેઓ દરેક સમાજના લોકોમાં બહોળી લોકચાહના પ્રાપ્ત કરી આદરભર્યુ માન પ્રાપ્ત કરવા માટે તેઓ સફળ રહ્યા હતા.

આ સેવા કાર્યને વાંકાનેરની સંસ્થાઓ અને તમામ ક્ષેત્રના અગ્રણીઓ કેમ ભુલી જાય ડો.એ.જે.મસાકપુત્રા નિવૃત થતા જ તેમના પ્રત્યેનો પ્રેમભાવ પ્રગટ કરવા વાંકાનેરની અંધ અપંગ ગૌશાળા, પુ.રણછોડદાસબાપુનો આશ્રમ એવા સદગુરૂ આનંદ આશ્રમ, વેદમાતા ગાયત્રી શકિતપીઠ તેમજ વાંકાનેર રઘુવંશી સમાજ આ ચારેય સંસ્થાએ ડો.મસાકપુત્રા સાહેબને વયમર્યાદાને લઇ વાંકાનેરની સરકારી હોસ્પિટલમાંથી નિવૃત થતા તેને સન્માનીત  કરી તેની સેવાને બિરદાવવાનો કાર્યક્રમ ભવ્યતાથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઇ સોમાણી, ડે.કલેકટર વસાવા, ન.પા. પ્રમુખ રમેશભાઇ વોરા, શહેર ભાજપ પ્રમુખ દીનુભાઇ વ્યાસ, ગાયત્રી શકિતપીઠના મહંત અશ્વિનભાઇ રાવલ, વિનુભાઇ કટારીયા, વાંકાનેર શહેર પોલીસના પીઆઇ રાઠોડ, પીએસઆઇ મોલીયા, તા.પીએસઆઇ ગોહીલ, મિસીસ એસ.એ.મસાકપુત્રા, પીરમસાયખ સાર્વજનીક ટ્રસ્ટના હોસ્પિટલના ચેરમેન હાજી મીમનજીભાઇ ડો.મુમતાઝબેન સેરશીયા સહિતના મંચસ્થ અગ્રણીઓ ઉપરાંત ડોકટરો, વકીલો, પત્રકાર, સામાજીક, રાજકીય સંસ્થાના અગ્રણીઓ મહિલા મંડળની બહેનો નાગરીકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ અગ્રણીઓએ ડો.મસાકપુત્રાની સેવાને બિરદાવી હતી અને તેમનું નિવૃત જીવન સુખમય રહે તેવી શુભેચ્છા આપી હતી. મુન્નાભાઇ બુધ્ધદેવ, મહેશભાઇ રાજવીર સહિત ઉપસ્થિત સર્વેએ ડો.મસાકપુત્રા સાહેબનું સન્માન કર્યુ હતુ.

(11:36 am IST)