Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જયારે ધોરાજીના શિક્ષકને વળાવતા કચ્છનું એક આખું ગામ હિબકે ચડયું

ભુજ, તા.૩: કચ્છની ધરા એટલે ખુમારીની ખમીરીની અને મીઠપવાળા માડુની ધરા....હા!!! વાત છે મૂળ ધોરાજીના વતની અને કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નાનકડા એવા ભૌઆ પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેદભાઈ વાળાની!! તેમની બદલી વતનની ભૂમિમાં થતા આખા ગામે તેમને રડતી આંખે વિદાય આપી.

શિક્ષક તરીકે વતનની ભૂમિથી ખૂબ દુર આવી એ ભૂમિને ચાહવી, ત્યાં સ્નેહ,પ્રેમ, લાગણી અને સંબધોની સરવાણી શિક્ષણના માધ્યમથી ફેલાવવી અને શિક્ષક હોવાની સાચી વ્યાખ્યા દિપાવવી એ બધાથી નથી થતું.... અને ઉમેદભાઈએ કરી દેખાડ્યું. વિદાયમાન વેળાએ ભૌઆ ગામના નાના મોટા સૌ કોઈની આંખો ભીની હતી અને હૈયા રડતા હતા. આ સન્માન હતું, એક કાઠી દરબાર અને ક્ષાત્રતેજની રખાવટનું,ઙ્ગ એમની બાળકો પ્રત્યેની કર્મનિષ્ઠાનું, જીવ રેડી આપેલા શિક્ષણનું તો વળી ગામના હર એકના હૃદય સુધી એક સ્નેહનો ધબકાર બન્યાનું!!

એક શિક્ષકની ગરિમાને નખશિખ નિભાવનારા ઉમેદભાઈ વાળા ૨૦૦૪ માં શિક્ષક તરીકે કચ્છમાં જોડાયા હતાઙ્ગ અને વતનમાં બદલી ૨૦૧૬ માં થઈ હતી પરંતું સતત બે વર્ષ સુધી ગામલોકોએ લાગણીના તાતણે પરાણે બાંધી જવા દિધા ન હતા..... છેવટે બે વરસ સુધી સૌની લાગણીને વંદન કરી રડતી આંખે આ શિક્ષકે વિદાય લીધી ત્યારે નાના મોટા દરેકની આંખો ભીની હતી, આનાથી વિશેષ ગૌરવવંતી પળ એક શિક્ષકના જીવનમાં કઈ હોઈ શકે.

ઉમેદભાઈએ શિક્ષકત્વને સાર્થક કર્યું અને સમગ્ર શિક્ષણ સમાજ માટે પ્રેરણાનું ઝરણું બન્યા.

પોતાના સંતાનોને વિદ્યાદાન સાથે સંસ્કારોનું સિંચન કરનારા ગુરુજન જયારે ગામમાંથી વિદાય લેતા હોય અને ગામની સૌ બહેનો લાગણી તથા સન્માનના તાંતણે વણાયેલ સંબંધોને માથા પર લક્ષ્મીજી ઉતારી ઓવારણા લેતી હોય અહા!!! કેવું ભાવવિશ્વ... એક શિક્ષકની કર્મનિષ્ઠાને વંદન...

(11:30 am IST)