Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

કચ્છ:લિગ્નાઈટ જથ્થાને જિલ્લા બહાર મોકલવા પરનો પ્રતિબંધ હટાવો:ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દ્વારા આવેદનપત્ર

જીએમડીસીના આ નિર્ણયથી ૧૦,૦૦૦ ટ્રકોના પૈડાં થંભી જતા હજારો ટ્રક ચાલકો સહિતના સામે બેરોજગારીનો ખતરો

ભુજ :જીએમડીસી દ્વારા કચ્છમાં આવેલી માતાના મઢ ખાણના લિગ્નાઈટના જથ્થાને જિલ્લા બહાર મોકલવા માટે લદાયેલા પ્રતિબંધને પગલે કચ્છનો ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદી તરફ ધકેલાઈ જશે અને હજારો પરિવારો બેરોજગાર બનશે પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કલેકટરને આવેદન પત્ર આપીને માતાના મઢ લિગ્નાઈટની ખાણ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી

જીએમડીસીના આ નિર્ણયથી ક્ચ્છના ૧૦,૦૦૦ ટ્રકોના પૈડાં થંભી જતા હજારો ટ્રક ચાલકો સહિત હાઇવે હોટલો ઓટો મોબાઇલ્સના નાના મોટા હજારો કચ્છી પરિવારો બેકાર બન્યા છે રજુઆત અનુસાર માતાના મઢ ખાણમાં દરરોજની ૭૦૦ થી ૮૦૦ ટ્રકો ભરાતી હતી. કચ્છમાં ૧૦ હજાર ટ્રકો લિગ્નાઈટના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેમના પૈડાં હવે થંભી જશે તેને સંલગ્ન ક્લીનરનો વ્યવસાય, રીપેરીંગ, પંક્ચર, ઓટોમોબાઇલ્સ, ડીઝલ પમ્પ, હાઈ વે હોટલો, લિગ્નાઇટ વેચનારાઓ સાથે સંકળાયેલાઓ હજારો પરિવારો બેકાર થઈ જશે

 પાનધ્રો, ઉમરસર અને માતાના મઢની ખાણોમાં લિગ્નાઇટનો પૂરતો જથ્થો હોવા છતાંયે ઉદ્યોગના ઈશારે જથ્થો રિઝર્વ રાખવાના બહાના તળે કચ્છની ખાણો બંધ કરી કચ્છના લોકો સાથે અન્યાય કરાઈ રહ્યો છે જો, લિગ્નાઇટની ખાણ શરૂ નહી કરાય તો ગાંધી ચીંધ્યા માર્ગે ભુજમાં કલેકટર કચેરી સામે આંદોલનની ચીમકી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ઉચ્ચારી છે.

(11:40 pm IST)