Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળીયુ હવામાન : પવનના સૂસવાટા

મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરતા ગરમીમાં રાહત જો કે બપોરે ઉકળાટ

ગોંડલ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે કાળાડીબાંગ વાદળા છવાઇ ગયા હતાં. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ગરમીમાં રાહત યથાવત છે અને આજે વહેલી સવારે આછા વાદળા છવાઇ ગયા હતાં અને ધુપ-છાંવનો અનુભવ થઇ રહ્યો છે. આ ઉપરાંત પવનના સૂસવાટા ફૂંકાઇ રહ્યા છે.

જોકે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

રાજયમાં ગરમીનું પ્રમાણ અકબંધ રહ્યું છે. મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફારની સ્થિતિ જોવા મળી નથી. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પણ મહત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યકત કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં કાલે મહત્તમ તાપમાન ૪૧.૬ ડીગ્રી રહ્યું હતું. અમદાવાદમાં ૪૧.૬ ઉપરાંત ડીસામાં ૪૧.૪, ગાંધીનગરમાં ૪૧.૪, સુરેન્દ્રનગરમાં ૪૧.૭ ડીગ્રી તાપમાન રહ્યું હતું. રાજયમાં સૌથી વધારે ગરમીનો અનુભવ કંડલા એરપોર્ટ ખાતે થયો હતો જયાં મહત્તમ તાપમાન ૪ર.ર ડીગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તીવ્ર ગરમીનું મોજુ હાલમાં ફરી વળ્યું છે. આવતીકાલે અમદાવાદમાં પારો ૪ર ડીગ્રી સુધી રહી શકે છે. આજે અંશિક વાદળછાયા વાતાવરણની વચ્ચે મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. ગઇકાલની સરખામણીમાં પારો ગગડયો હતો. બપોરના ગાળામાં પણ અન્ય દિવસોની સરખામણીમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. ગરમીનો પારો ૩૭.૪ ડીગ્રીએ પહોંચતા ગરમીનું પ્રમાણ ઘટતા હાશકારો અનુભવાયો હતો. ગોહિલવાડ પંથકમાં આજે દિવસભર તેજ પવન ફૂંકાયો હતો. હિટવેવની અનુભૂતિ આ છેલ્લા બે દિવસથી મહતમ તાપમાન ઘટતા લોકોમાં હાશકારો થયો હતો. આજે ભાવનગરનું મહત્તમ તાપમાન ૩૭.૪ ડીગ્રી અને લઘુત્તમ તાપમાન ર૪.૮ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩પ ટકા અને પવનની ઝડપ ૩૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

 જામનગર : આજનું હવામાન ૩પ.પ મહત્તમ, ર૪.પ લઘુતમ, ૮૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ  ૧ર.૭ પ્રતિ કલાક પવનની ગતિરહી હતી.(૮.૭)

 

(12:21 pm IST)