Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

જામગઢમાં પ્લોટમાંથી હલણ કાઢવા બાબતે સમજુબેન કોળી અને પુત્ર પ્રેમજી પર હોકી-પાઇપથી હુમલો

કૌટુંબીક સગા હકા અને શૈલેષે હુમલો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૩: કુવાડવા તાબેના જામગઢમાં કોળી વૃધ્ધા અને તેમના પુત્ર પર તેના જ કૌટુંબીક સગાએ હલણ બાબતે ઝઘડો કરી હોકી-પાઇપથી હુમલો કરી ઇજા કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જામગઢ રહેતાં સમજુબેન રત્નાભાઇ શાપરા (ઉ.૬૫) નામના કોળી વૃધ્ધા અને તેના પુત્ર પ્રેમજીભાઇ રત્નાભાઇ શાપરા (ઉ.૩૫) રાત્રે નવેક વાગ્યે ઘર પાસે હતાં ત્યારે કૌટુંબીક ભાઇઓ હકા સગરામભાઇ અને શૈલેષ સગરામભાઇએ ગાળો દઇ ઝઘડો કરી હોકી-પાઇપથી હુમલો કરી બંનેને કપાળે, શરીરે ઇજાઓ કરતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ વી. પી. આહિર અને હમીરભાઇ આહિરે ઘાયલ થયેલા પ્રેમજીભાઇ (પ્રેમાભાઇ)ના ભાઇ દાનાભાઇ રત્નાભાઇ શાપરા (ઉ.૩૭)ની ફરિયાદ પરથી હકા અને શૈલેષ સામે ગુનો નોંધ્યો હતો. દાનાભાઇ અને પ્રેમાભાઇના પ્લોટમાંથી ચાલવાનો રસ્તો કાઢવા બાબતે માથાકુટ થતાં આ હુમલો થયાનું તપાસમાં ખુલ્યું હતું.

(12:07 pm IST)