Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ઉપલેટાના ગુનામાં ફરાર પિતા-પુત્રને આશરો આપતા કેશોદના બે ઈસમો સામે કાર્યવાહી

સરાજાહેર સાઢુએ સાઢુભાઈ ઉપર હુમલો કરેલ

જૂનાગઢ, તા. ૩ :. મંગળવારે ઉપલેટામાં સરાજાહેરમાં એક હોટલ પાસે ભાયાભાઈ નારણભાઈ ગાગલિયા ઉપર તેના સાઢુ વિજય ઉર્ફે ઠગી કરશન સોલંકી તેમજ વિજયના પિતા કરશનભાઈ અરસીભાઈએ કુહાડીના ૨૨ જેટલા ઘા ઝીંકીને હત્યાની કોશિષ કરી હતી.

આ બનાવમાં ઉપલેટા પોલીસે પિતા-પુત્ર સામે કલમ ૩૦૭ મુજબ હત્યાની કોશિષનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હુમલા બાદ નાસી છૂટેલા વિજય ઉર્ફે ઠગી અને તેના પિતા કરશન અરસી જૂનાગઢ જિલ્લાના કેશોદ વિસ્તારમાં હોવાની માહિતી મળતા ઉપલેટા પોલીસે કેશોદ પંથકમાં તપાસ હાથ ધરી હતી પરંતુ આ વિસ્તારમાંથી પણ પિતા-પુત્ર ભાગી ગયા હોવાનું જણાયુ હતું.

તપાસમાં કેશોદ તાલુકાના ઈસરા ગામના ભરત કરશનભાઈ પીઠીયા અને બામણશા-ઘેડ ગામના ગોવિંદ અરસી સોલંકીએ પોતાની જીજે ૧૨ એ.કે. ૮૩૫૫ નંબરની સ્કોર્પિયો કારમાં વિજય અને તેના પિતા કરશનભાઈને બેસાડી અને પોતાની વાડીએ લાવી ચા પીવડાવી હતી અને બન્નેને આશરો આપ્યો હતો.

આ હકીકતના આધારે ગઈકાલે ઉપલેટાના પી.એસ.આઈ. મહાવીરસિંહ જામુભા પરમારે ઈસરાના ભરત પીઠીયા અને બામણાશા-ઘેડના ગોવિંદ સોલંકી વિરૂદ્ધ વિજય સોલંકી અને કરશન સોલંકીને હત્યાની કોશિષનો ગુનો આચર્યા બાદ નાસી જવામાં મદદ કરવાની સાથે બન્ને આશરો આપવાનો ગુનો દાખલ કરાવ્યો હતો.

કેશોદ પોલીસે પિતા-પુત્ર સામે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)