Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

માણાવદરના ભાજપના કાર્યકરો સામે તાત્કાલીક પગલાં લેવા એસપીને આવેદન

જુનાગઢ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ પર હૂમલાના બનાવોને લઇ

જુનાગઢ તા. ૩ :.. માણાવદર વિધાનસભાની સીટ પરથી ભાજપના કાર્યકરોએ  કોંગ્રેસ પક્ષના કાર્યકરો પર હૂમલાઓ કરતા અને ટેલીફોનીક ધમકીઓ આપતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જૂનાગઢ શહેર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને એક આવેદન પાઠવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી અને માણાવદર  વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોષી તેમજ વંથલીના કિશોરભાઇ  ત્રાંબડિયા અને યુવા કાર્યકર્તા પિયુષભાઇ પરસાણિયા પર ભાજપ કાર્યકર્તાઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકરો દ્વારા ટેલિફોનિક ધમકીઓ આપી કહેવામાં આવે છે કે કોંગ્રેસને શા માટે મદદ કરી? અમે હાર્યા તો તમારે આ વિસ્તાર છોડીને ભાગી જવાનું રહેશે. આવું તાનાશાહીભર્યું વાતાવરણ ઊભું કરી ભય ફેલાવવામાં આવે છે. જેથી ઉપરોકત ઘટનાનું ફરીવાર પુનરાવર્તન ન થોાય તે માટે પોલીસ અધિકારી દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત કરવા અને ભયનું વાતાવરણ ઊભું કરતા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવા જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જુનાગઢ શહેર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના એસપીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.

(11:37 am IST)