Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જસદણમાં ૬૨.૩૫% મતદાનઃ ૨૦૧૮ની પેટા ચૂંટણી કરતા ૮.૮૮% ઓછુ નોંધાયુ

સૌથી વધુ મતદાન ભોળાભાઇના ગામના બંધાળી-૨ના બૂથ ઉપર ૮૯.૫૯% મતદાન : કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ, ભાજપના કુંવરજીભાઈ બાવળિયા સહિતનાનું ભાવિ ઈવીએમમાં સિલ

જસદણ, તા.૨: જસદણ વિધાનસભા બેઠક માટે નોંધાયેલા ૧,૩૪,૦૩૩ પુરુષ તથા ૧,૨૨,૩૧૨સ્ત્રી મતદારો મળી કુલ ૨,૫૬,૩૪૫ મતદારો પૈકી ૯૦૧૧૩  પુરુષ મતદારો તથા  ૬૯૭૦૬ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૫૯,૮૧૯ મતદારોએ મતદાન કરતા સરેરાશ ૬૨.૩૫  ટકા મતદાન નોંધાયું હતું. જસદણ બેઠકના ચૂંટણી અધિકારી રાજેશ જી. આલ, નાયબ ચૂંટણી અધિકારી સંજયસિંહ  અસવાર, નાયબ મામલતદારો બી.એચ. કાછડીયા, દિનેશભાઈ આચાર્ય, રાજાવડલાભાઈ સહિતની જસદણ ચૂંટણી તંત્રની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. પીઆઈ તપનભાઈ જાની, પીએસઆઇ એસ.એમ. રાદડિયા સહિતના પોલીસ સ્‍ટાફ દ્વારા બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. જસદણ વિધાનસભા બેઠકના તમામ ૨૬૧ મતદાન મથક ઉપર શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું.

સૌથી વધારે મતદાન કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલના ગામમાં બુથ નંબર ૧૭૯ બંધાળી ૨ નામના મતદાન મથક ઉપર ૮૯.૫૯ ટકા મતદાન નોંધાયું હતું જ્‍યાં કુલ ૭૦૧ મતદારોમાંથી ૬૨૮ મતદારોએ મતદાન કર્યું હતું. જ્‍યારે સૌથી ઓછું મતદાન બુથ નંબર ૨૨૦ ઝુંડાળા ૧ નામના મતદાન મથકમાં માત્ર  ૪૩.૨૪ ટકા નોંધાયું હતું જ્‍યાં ૭૪૦ મતદારોમાંથી  ફક્‍ત ૩૨૦ મતદારોએ મતદાન કર્યું હતું. કોળી સમાજના દિગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયા, કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહેલ તથા આપના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરા, અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મકવાણા સહિતના કુલ પાંચ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે.

જસદણ બેઠકમાં અત્‍યારે નોંધાયેલું ૬૨.૩૫ ટકા મતદાન એ  છેલ્લા બે દાયકાની છ ચૂંટણીનું સૌથી ઓછું મતદાન છે. કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલના વતન બંધાળી-૧ નામના મતદાન મથકમાં ૮૯.૧૦  ટકા મતદાન નોંધાયું હતું. જ્‍યારે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાના વતન કંધેવાળીયા ગામમાં કંધેવાળીયા -૧ મતદાન મથકમાં ૭૮.૫૩ ટકા તેમજ કંધેવાળીયા -૨ નામના મતદાન મથકમાં ૭૩.૬૭ ટકા મતદાન નોંધાયું હતું. જસદણ શહેરમાં સૌથી ઓછું મતદાન મતદાન મથક નંબર ૧૩૧ જસદણ -૧૨ નામના કન્‍યા તાલુકા શાળા રૂમ નંબર ૨ ના મતદાન મથકમાં ૪૭.૩૫ ટકા મતદાન નોંધાયું હતું. જ્‍યારે જસદણ શહેરમાં સૌથી વધુ મતદાન મતદાન મથક નંબર ૧૪૯ જસદણ-૩૦ નામના પ્રાથમિક કુમાર શાળા ટાવર ચોકના બુથમાં ૭૧.૨૧ ટકા મતદાન યોજાયું હતું.

જસદણ બેઠકની ચૂંટણીમાં ભૂતકાળની અનેક ચૂંટણીઓના પ્રમાણમાં ઘણું જ ઓછું મતદાન થતાં આ ઓછા મતદાનથી કોને ફાયદો અને કોને નુકસાન થશે ? જસદણ બેઠકના બંને પક્ષનાં ઉમેદવારો કોળી સમાજના હોવાથી કોળી સમાજના મતનું કેટલા પ્રમાણમાં બંને વચ્‍ચે વિભાજન થયું ? પાટીદાર સમાજના મત વધારે કોના તરફ ગયા ? ઈત્તર સમાજના વધારે મત કોના તરફ ગયા જસદણ શહેરના પાટીદાર વિસ્‍તારોનું મતદાન કોના તરફ ગયું ? મુસ્‍લિમ સમાજના મતો કોના તરફ ગયા ? આપના ઉમેદવાર પાટીદાર હોય  આપનાં ઉમેદવારને પાટીદારોના કેટલા અને કોળી સમાજના કેટલા મત મળશે ? સાણથલી જિલ્લા પંચાયત વિસ્‍તારના તેમજ આટકોટના જિલ્લા પંચાયત વિસ્‍તારના મત કોના તરફ ગયા ? કેટલા મતથી હાર જીત થશે ? જસદણ વિધાનસભા બેઠકમાં બંને પક્ષના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્‍યો, કાર્યકર્તાઓ વગેરેમાંથી ખરેખર કેટલા લોકોએ નિષ્ઠાપૂર્વક ? કયા કાર્યકર્તાઓએ તેમના પક્ષના ઉમેદવારની હારે રહીને  હારેતેવા પ્રયત્‍નો કર્યા ? વિછીયા તાલુકાના મત વધારે કોના તરફ ગયા ? જેવા અનેક પ્રશ્‍નોની ચર્ચા જસદણ વિધાનસભા વિસ્‍તારમાં સર્વત્ર ચાલી રહી છે.

જસદણ વિધાનસભા-૭૨ મત વિસ્‍તારની સામાન્‍ય ચૂંટણીમાં સવારે ૮ વાગ્‍યાથી ૨૬૧ મતદાન મથકો ઉપર લોખંડી બંદોબસ્‍ત વચ્‍ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ તેમના માતાજીના આર્શિવાદ લઈને મતદાન કર્યું હતું. જયારે કોંગ્રેસનાં ઉમેદવાર ભોળા ગોહિલે પોતાના માતાના આશિર્વાદ લઈને પરિવારજનો સાથે મતદાન કર્યું હતું. આ સાથે ચૂંટણી જંગમાં સામેલ એક પક્ષના અને બે અપક્ષના ઉમેદવારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જસદણ મત ક્ષેત્ર બહારનાં હોવાથી જસદણમાં મતદાન કરી શકયા નહોતા. જો કે, ગત ૨૦૧૮ ની પેટા ચૂંટણીમાં ૭૧.૨૩ ટકા મતદાન નોંધાયું હતું. એટલે આ વખતે ૮.૮૮ ટકા જેવો ઘટાડો થયો છે. તમામ ઈ.વી.એમ. લઈને પોલીંગ સ્‍ટાફ જસદણમાં ચોટીલા રોડ ઉપર આવેલી મોડેલ સ્‍કૂલમાં બનાવેલા સ્‍ટ્રોંગ રૂમે પહોંચ્‍યો હતો. જયાં તમામ ઈ.વી.એમ. સુરક્ષિત સીલ કરીને બંદોબસ્‍ત ગોઠવી તમામ ઈવીએમ રાજકોટ ખાતે લઈ જવા માટેની આગળની કામગીરી હાથ ધરી હતી.

છેલ્લી બે કલાકમાં સૌથી વધુ ૧૬.૦૩ ટકા મતદાન થયું હતું

જસદણ બેઠકમાં પ્રથમ એક કલાક એટલે કે ૯ વાગ્‍યા સુધીમાં ૫.૭૫ ટકા સરેરાશ મતદાન થઈ ગયું હતું. બાદમાં ૯થી૧૧ વાગ્‍યા સુધીમાં ૨૦.૫૮ ટકા, ૧૧થી૧ વાગ્‍યા સુધીમાં ૩૨.૫૬ ટકા, ૧થી૩ વાગ્‍યા સુધીમાં ૪૬.૩૨ ટકા અને ૩થી૫ વાગ્‍યા સુધીમાં ૬૨.૩૫ ટકા મતદાન થયું હતું. એટલે કે છેલ્લી બે કલાકમાં સૌથી વધારે ૧૬.૦૩ ટકા વધુ મતદાન નોંધાયું હતું. ઓછું મતદાન નોંધાવા છતાં ભાજપ  અને કોંગ્રેસના ઉમેવારોએ પોતાની જીત પાક્કી હોવાનાં દાવાઓ કર્યા હતા.

શતાયું મતદારોમાં ઉત્‍સાહ

સૌરાષ્‍ટ્રમાં આજે મતદાનનો સવારે ૮ વાગ્‍યાથી પ્રારંભ થયો હતો. ત્‍યારે જસદણ બેઠકમાં સવારથી જ શતાયુ મતદારોમાં મતદાન કરવાનો અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો હતો. કોઈ ઘોડીના ટેકે તો કોઈ લાકડીના ટેકે મતદાન કરવા આવ્‍યા હતા

 

(11:37 am IST)