Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જૂનાગઢ જિલ્લામાં ઓછું મતદાન થતાં આશ્ચર્યજનક પરિણામ આવવાની વકી

ગત ચૂંટણીમાં ભાજપને એક જ બેઠક મળેલ અને કોંગ્રેસે ચાર બેઠક પર કબજો જમાવેલ : પાંચ બેઠક પર ૩.૬૮ ટકા ઓછા મત પડતા રાજકિય પક્ષો અને ઉમેદવારો મુકાયા વિમાસણમાં

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨ : ગુજરાત વિધાનસભાની ૨૦૧૭નીચુંટણી કરતાં ૨૦૨૨ની ચુંટણીમાં જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પર ઓછું મતદાન થતાં આર્યજનક પરિણામ આવવાની શક્‍યતા સેવાઈ રહી છે. ગત ચુંટણીમાં જિલ્લામાંથી ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી. જયારે કોંગ્રેસ ચાર બેઠક પર મેદાન મારી ગયું હતું. પાંચ બેઠક પર ઓછા મત પડતા રાજકિય પક્ષો અને ઉમેદવારો મુકાયા વિમાસણમાં મુકાય જવા પામ્‍યા છે અને આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન થશે? તેવો સવાલ ઉઠવા પામ્‍યો છે.

જો કે માણાવદરનાં ધારાસભ્‍ય જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ૨૦૧૯ ની પેટા ચુંટણી જીત્‍યા હતા.આ વખતે જૂનાગઢ જીલ્લાની પાંચ બેઠકમાં પરંપરાગત હરીફ ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં ઉતરતા ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો.

ગઈકાલે સોરઠની વિધાનસભાની પાંચ બેઠક પર એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ સ્‍ટ્રોંગ રૂમમાં જડબેસલાક પહેરા હેઠળ મૂકી દેવામાં આવ્‍યા હતા. હવે ૮ ડિસેમ્‍બરે પરિણામના દિવસે ઇવીએમ ખુલશે અને ત્‍યારે જ ખબર પડશે કે મતદારોએ કોની પસંદગી કરી છે. અત્‍યારે તો રાજકિય પક્ષોના અને ઉમેદવારો વગેરે પોતાના વિજયના ગણિત માંડી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે, આ વખતની ચુંટણીમાં મતદારોએ તેમનું મત કળાવા દીધું નથી. તેથી મતદારોએ કોના તરફી મતદાન કર્યું તે અંગે અત્‍યારે કોઇપણ અનુમાન લગાવવું વ્‍હેલું ગણાશે.

જૂનાગઢ જીલ્લાની પાંચ બેઠક માટે કુલ ૧૨૭૨૩૫૬ મતદારો નોંધાયા હતા. જેમાં ૬૫૭૬૪૭ પરુષ, ૬૧૪૬૬૦ મહિલા, ૧૪૩૧૪ દિવ્‍યાંગ અને ૨૦ થર્ડ જેન્‍ડર સહિત અન્‍ય મતદારોનો સમાવેશ થતો હતો. આ વખતની ચુંટણીમાં ૧૧૭૪૪ યુવા મતદારો પણ હતા.

૨૦૧૭ની ચુંટણીમાં જૂનાગઢ જીલ્લાની પાંચ બેઠક માટે સરેરાશ ૬૩.૧૫ ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ ૬૫.૭૨.ટકા મતદાન માણાવદર બેઠક પર થયેલ અને સૌથી ઓછું ૬૦.૪૫ ટકા મતદાન જૂનાગઢ બેઠક માટે રહ્યું હતું. જયારે વિસાવદર બેઠક માટે ૬૨.૨૪ ટકા તથા કેશોદ બેઠક પર ૬૧.૬૦ ટકા અને માંગરોળ બેઠક માટે ૬૫.૪૩.ટકા મત પડ્‍યા હતા.

ગઈકાલે સવારના ૮ થી સાંજના ૫ દરમ્‍યાન જૂનાગઢ જીલ્લામાં કુલ ૫૯.૪૭ ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ ૬૧.૯૧ ટકા મતદાન કેશોદ બેઠક પર તથા સૌથી ઓછું ૫૫.૮૨ ટકા મતદાન જૂનાગઢ બેઠક પર થયું છે. વિસાવદર બેઠક ઉપર ૫૬.૧૦ ટકા, માણાવદર બેઠક ઉપર ૬૧.૧૬ ટકા અને માંગરોળ બેઠક માટે ૬૩.૩૮ ટકા મત પડ્‍યા હતા.જેમાં ૪૧૭૯૫૪ પુરુષ, ૩૩૮૬૯૫ સ્ત્રી અને અન્‍ય ૮ મળી કુલ ૭૫૬૬૫૭ મતદારોનો સમાવેશ થાય છે.

ગત ચુંટણીમાં ૬૩.૧૫ ટકા મત પડ્‍યા હતા. આ વખતે ૫૯.૪૭ ટકા મતદાન થવાથી ૨૦૧૭ની ચુંટણી કરતા ૩.૬૮ ટકા ઓછા મત પડ્‍યા છે.

આ સાથે જૂનાગઢ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના સિટિંગ ધારાસભ્‍ય ભીખાભાઈ જોષી, ભાજપમાંથી નવો ચહેરો સંજયભાઈ કોરડીયા તથા આપમાંથી ચેતન ગજેરા સહિત ૯ ઉમેદવારોનું તથા વિસાવદર બેઠક ઉપર ભાજપના હર્ષદ રીબડીયા, કોંગ્રેસમાંથી કરશનભાઈ વાડદોરીયા અને આપમાંથી ભેસાણનાં અગ્રણી ભૂપતભાઈ ભાયાણી સહિત પાંચ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે.

જયારે માણાવદર બેઠક પર ભાજપના સિટિંગ ધારાસભ્‍ય જવાહરભાઈ ચાવડા, કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી, આપમાંથી કરશનભાઈ ભાદરકા સહિત સાત ઉમેદવારોનું ભાવિ તેમજ કેશોદ બેઠક પર ભાજપના મંત્રી દેવાભાઈ માલમ, કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવા અને આપમાંથી રામજીભાઈ ચુડાસમા સહિત સાત ઉમેદવારોનું ભાવિ ઉપરાંત માંગરોળ બેઠક પર ભાજપના જુના જોગી ભગવાનજીભાઈ કરગટીયા, કોંગ્રેસના બાબુભાઈ વાજા તથા આપમાંથી પિયુષ પરમાર સહિત ૬ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા છે. આમ કુલ ૩૪ ઉમેદવારોના રાજકિય ભાવિનાં પરિણામ પર સૌની મીટ મંડાયેલ છે.

(11:42 am IST)