Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જામનગરના બજરંગપુર ગામના ખેડૂતોએ લસણ, ડુંગળી, ઘેટા-બકરાને ખવડાવીને વિરોધ પ્રદર્શિત કર્યો

ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ન મળતા શાકભાજી રસ્તા ઉપર ફેંકી દીધા

જામનગર, તા. ૨ :. જામનગર જિલ્લાના બજરંગપુર ગામે ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો હતો અને લસણ, ડુંગળી, શાકભાજી રસ્તા ઉપર ફેંકીને અને ઘેટા-બકરાને ખવડાવી દઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

જામનગર જિલ્લામાં ચોમાસામાં ખૂબ જ ઓછો વરસાદ પડયો છે. જેના કારણે ખેડૂતોની અને લોકોની હાલત કફોડી બની છે. ખેડૂતોને મગફળી, કપાસ, લસણ, ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોની દશા દયનીય બની છે.

ત્યારે જામનગર જિલ્લાના બજરંગપુર ગામના ખેડૂતો દર વર્ષે લસણ અને ડુંગળીનું વાવેતર કરે છે, પરંતુ આ વખતે લસણના કિલોએ ૧ થી ૨ રૂપિયા માંડ મળે છે, જેથી પોષણક્ષમ ભાવોની માંગ સાથે બજરંગપુર ગામના ખેડૂતોએ લસણ અને ડુંગળીના ભાવની માંગ સાથે ઘેટા-બકરાને ખેત ઉત્પાદન ખવડાવી દઈને વિરોધ પ્રદર્શિત કરીને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

(3:42 pm IST)