Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

બાળ વૈજ્ઞાનિકો દેશને નવી દિશાએ લઇ જશેઃ જિલ્લા વિકાસ અધિ.રાવલ

ખંભાળિયામાં વિજ્ઞાન મેળાના ઉદ્દઘાટન પ્રસંગે પ્રેરક વકતવ્ય

ખંભાળિયા તા.૨: તાજેતરમાં ખંભાળિયાની આદર્શ ઈંગ્લીશ સ્કૂલ ખાતે ખંભાળિયા તાલુકાનો વિજ્ઞાન મેળો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ખંભાળિયા તાલુકાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું યોજાયું હતું. જેમાં ૪૭ કૃતિઓ રજુ થઇ હતી.

કાર્યક્રમની શરૂઆત જિ.નિ.શ્રી એસ.જે. ડુમરળિયા એ એક વિદ્યાર્થીનીના હસ્તે દીપ પ્રગટાવી કરી હતી જે પછી વિજ્ઞાન મેળાના સંદર્ભમાં વકતવ્યો થયા હતાં.

ખંભાળિયાના સંયોજક હિતેન્દ્ર આચાર્યએ બાળ વૈજ્ઞાનિકોને બિરદાવી તેમના દ્વારા રજુ થયેલ વિશિષ્ટ પ્રયોગોની જાણકારી આપી હતી તો જિ.નિ.શ્રી એસ.જે. ડુમરાળિયાએ પ્રાચીન સમયથી ભારત વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ છે તે ઉદાહરણો સાથે સમજાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આર. રાવલે બાળ વૈજ્ઞાનિકો દેશને નવી વૈજ્ઞાનિક દિશામાં લઇ જશે કહી બિરદાવ્યા હતા તો રાજય આચાર્ય સંઘના મંત્રી પ્રજ્ઞાબેન આહીર, જાયંટ્સ ગ્રુપના પ્રમુખ નવિનભાઇ જોશી, લીગલ ફેમીલી કોર્ટના ન્યાયાધીશ શ્રી ગુપ્તા, સરિયા શ્રીમતિ કીર્તિદાબેન ઉપાધ્યાય, પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, શહેર પ્રમુખ ભાજપ અમિતભાઇ શુકલ અને શહેર પ્રમુખ યોગેશભાઇ મોટાણી, સંસ્થાના ટ્રસ્ટીશ્રી વિનુભાઇ સોમૈયા, એજયુ. ઇન્સ્પેકટર વિમલભાઇ કિરતસાતા, બારાડી સંયોજક જગમાલભાઇ ભેટારીયા વિ.એ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

વિશિષ્ટ કૃતિઓ

કાર્યક્રમમાં વડત્રા સરકારી શાળા દ્વારા નાશ થઇ શકે તેવું વિશિષ્ટ પ્લાસ્ટીક, ઉર્જાના અવનવા પ્રયોગો, એસ.એન.ડી.ટી. શાળા દ્વારા બ્લુટુથ પ્રયોગ, ડેલ્ટા સીટી, વિજય હાઇસ્કૂલ દ્વારા સોલાર ટેકનોલોજીની ખેતી, વેકયુમ કલીનર ગેસ ઉત્પાદન રજુ થયા હતા. તો નવચેતન શાળા દ્વારા સૂર્ય વીજળીનો પ્રયોગ થયો હતો.

દર્શકો ઉમટી પડયા

વિજ્ઞાન મેળો નિહાળવા એટલા દર્શકો ઉમટી પડયા હતા કે પ્રયોગો નિહાળવા કતારો લાગી હતી તથા સવારે ૧૧ થી અઢી વાગ્યા સુધી પ્રદર્શન ચાલ્યું હતુ તથા બાળ વૈજ્ઞાનિકોને બોમ્બે મિનરલ કંપની, રીટેલ ગ્રેઇન મર્ચન્ટ, હેમરાજ મજીઠીયા વિ. દ્વારા ભેટ આપીને પુરસ્કૃત કરાયા હતા. છે જેટલી ગીફટની વસ્તુ આપવામાં આવી હતી તથા સારી રીતે નિર્ણાયકોએ કામગીરી કરી હતી.

સમગ્ર સંચાલનમાં શાળાના આચાર્યશ્રી દિલીપભાઇ ડુમાણિયા, કે.ડી. ગોકાણી, માર્કંડેય જાનીની કામગીરી નોંધપાત્ર રહી હતી. (૧.૨)

(12:45 pm IST)