Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગોંડલના ગુંદાળા રોડ ઉપર કેમિકલ ફેકટરીઓ પ્રદુષણ ફેલાવતી હોવાની ગ્રામજનોની ફરિયાદઃ ૪૮થી વધુ લોકોને ઝેરી અસર

ગોંડલ, તા.૨:  ગુંદાળા રોડ અતિ વિકસિત હોય ગુંદાળા ગામ ગોંડલના એક વિસ્તાર થઈ જવા પામ્યું છે ત્યારે ગુંદાળા ગ્રામ પંચાયતના સરપંચ ચતુરાબેન પ્રવીણભાઈ તેમજ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા કુલદીપસિંહ જાડેજા દ્વારા ફેકટરીઓ દ્વારા પ્રદૂષણ ફેલાતું હોય ઉપરાંત પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવતું હોવાના આક્ષેપો કરી ગામમાં ૪૮ લોકોને ઝેરી કેમિકલની અસર થયેલ હોવાની ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા કલેકટરને કરાતા શહેર તેમજ તાલુકામાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

અત્રેએ ઉલ્લેખનીય છે કે ગુંદાળા રોડ ઉપર છાયા કેમિકલ ફેકટરી છેલ્લા ૧૦ વર્ષથી બંધ થઈ જવા પામી છે અને તેના બોરને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સીલ મારી દેવામાં આવેલ હોવાનું જણાવાયું છે બાકી વધેલ એકસ્પો ફાઇન કેમિકલ ના માલિકો દ્વારા જણાવાયું હતું કે છેલ્લા ૩૫ વર્ષથી તેઓની ફેકટરી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના તમામ નિયમોનું પાલન કરીને ચાલી રહી છે તેઓની ફેકટરીમાં ઝીરો પોલ્યુશન છે તેમજ ફેકટરીમાંથી નીકળતો છેલ્લો કચરો પોલ્યુશન બોર્ડ દ્વારા નિયત કરેલ જગ્યાએ જ ઠાલવવામાં આવે છે, તમામ રજીસ્ટર મેન્ટેન કરવામાં આવી રહ્યા છે, અને તેઓની પ્રોડકટ કોઈને નુકસાન કરતા નથી, તેઓની ફેકટરી પણ લીલીછમ છે, તમામ કુલ ઝાડનું વાવેતર કરવામાં આવેલ છે, ઉપરોકત ફરિયાદ કોઈ રાગ-દ્વેષ રાખી કરવામાં આવી હોય તેવું તેઓને જણાઈ રહ્યું છે, આ ફરિયાદ અંગે પોલ્યુશન બોર્ડ ગમે ત્યારે મુલાકાત લઇ નિવેદન લઈ શકે છે તેવું અંતમાં જણાવ્યું હતું.(૨૨.૬)

(12:23 pm IST)