Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અમરેલીમાં મહેશ વણકરને મિત્ર ચેતન બ્રાહ્મણે રહેંસી નાંખ્યો

મહેશ ઝાલા (ઉ.૩૦)ને મિત્ર ચેતન ઠાકરે ફોન કરીને ચક્કર ગઢ સર્કલ પાસે બોલાવ્યા બાદ બે શખ્સોએ પકડી રાખ્યો ને ચેતને આડેધડ છરીના ઘા ઝીંકયાઃ સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સ ભાગતા દેખાયાઃ હત્યા પાછળ જુનુ મનદુઃખ કે અન્ય કારણ?: મહેશને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો, પણ દમ તોડી દીધોઃ ડીવાયએસપી એલ. બી. મોણપરા અને ટીમ રાજકોટ પહોંચીઃ તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ હત્યારો ચેતન અગાઉ મુસ્લિમ યુવાનની હત્યાના પ્રયાસમાં સંડોવાઇ ચુકયો છેઃ મહેશ બે ભાઇ, બે બહેનમાં બીજો હતોઃ સગાઇની વાત ચાલતી હતીઃ સ્વજનોમાં કલ્પાંત

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર મહેશ ઝાલા (વણકર)નો નિષ્પ્રાણ દેહ, નીચેની તસ્વીરમાં વિગતો જણાવતાં તેના માતા અને ભાઇ તથા બાજુની તસ્વીરમાં ડીવાયએસપી એલ. બી. મોણપરા તથા ઇન્સેટમાં હત્યાનો ભોગ બનનાર મહેશ ઝાલાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨: અમરેલીમાં રાત્રીના પોણા બારેક વાગ્યે ચક્કરગઢ સર્કલ પાસે દાનેવ પાન નામની દૂકાન પાસે વણકર યુવાનને બે શખ્સોએ પકડી રાખ્યા બાદ તેના જ મિત્ર બ્રાહ્મણ શખ્સે આડેધડ છરીના ઘા ઝીંકી દેતાં તેને અમરેલી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. ડીવાયએસપી એલ. બી. મોણપરા અને ટીમે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી. હત્યા કરી ભાગી ગયેલો બ્રાહ્મણ શખ્સ અગાઉ પણ હત્યાના પ્રયાસનો ગુનો આચરી ચુકયો છે તેને અને બે સાગ્રીતોને ઝડપી લેવા દોડધામ શરૂ થઇ છે. હત્યા કોઇ જુના મનદુઃખને લીધે થઇ કે અન્ય કારણોસર? તે આરોપી પકડાયા બાદ બહાર આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીમાં આંબેડકરનગર મન સીટી સામે રહેતો અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો મહેશ રતિલાલ ઝાલા (ઉ.૩૦) નામનો વણકર યુવાન રાત્રીના પોણા બારેક વાગ્યે ચક્કરગઢ રોડ પર દાનેવ પાન નામની દૂકાન પાસે ઉભો હતો ત્યારે તેના જ મિત્ર ચિરાગ ઠાકર અને બે અજાણ્યા શખ્સોએ આવી ઝઘડો કર્યો હતો. બે શખ્સોએ તેને પકડી રાખ્યો હતો અને ચિરાગે છરીથી હુમલો કરી પેટ, પડખા, પાંચળી, હાથમાં ઇજાઓ કરતાં મહેશ લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં ચિરાગ અને બે સાગ્રીતો બાઇક પર ભાગી ગયા હતાં.

બનાવની જાણ થતાં પરિવારજનો પહોંચી ગયા હતાં અને મહેશને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાંથી વિશેષ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વેહલી સવારે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે અમરેલી જાણ કરતાં ડીવાયએસપી એલ. બી. મોણપરા અને ટીમ રાજકોટ પહોંચી હતી.

હત્યાનો ભોગ બનનાર મહેશ બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો. તેના મોટા ભાઇનું નામ દિપકભાઇ છે અને બહેનોના નામ સુધાબેન તથા ધર્મિષ્ઠાબેન છે. માતાનું નામ હંસાબેન છે. મહેશને ઘરનો ટ્રક છે તે પિતા અને ભાઇ સાથે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો અને તેની સગાઇની વાતચીત ચાલતી હતી. મહેશના ભાઇ દિપકભાઇના કહેવા મુજબ હત્યા કરનાર ચેતન અને મહેશ બંને મિત્રો જ હતાં. રાત્રીના દસેક વાગ્યાથી ચેતને મહેશને ફોન કરવાનું ચાલુ કર્યુ હતું. લગભગ બારેક વખત તેણે ફોન કર્યા હતાં પણ મહેશે વાત કરી નહોતી. છેલ્લે પોણા બારેક વાગ્યે તે દાનેવ પાન પાસે ગયો હતો અને તેના પર હુમલો થયો હતો. હત્યાનું કારણ પોતે જાણતા નહિ હોવાનું પણ કહ્યું હતું.

અમરેલીના પ્રતિનિધીનો  અરવિંદ નિર્મળનો અહેવાલ

અમરેલીથી પ્રતિનિધી અરવિંદ નિર્મળએ જણાવ્યા મુજબ હુમલાની ઘટના બનતાં પોલીસે મહેશના પિતા રતિલાલ રામજીભાઇ ઝાલા (ઉ.૫૫)ની ફરિયાદ પરથી ચેતન ઠાકર અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૭, ૩૪, ૫૦૪, એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. રાજકોટમાં મહેશે દમ તોડી દેતાં કલમ ૩૦૨નો ઉમેરો કરાયો છે.

રતિલાલે ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રે દિકરા મહેશ પર હુમલો થયાની જાણ થતાં હું તથા મારા પત્નિ સહિતના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતાં. ૧૦૮માં મહેશને લઇ જતાં હતાં ત્યારે તે ભાનમાં હતો અને શું થયું? તે અંગે પુછતાં મહેશે કહ્યું હતું કે ચિરાગ ઠાકરે 'આજે તો તને પતાવી જ દેવો છે' તેમ કહી છરીના ઘા ઝીંકી દીધા હતાં. હુમલો શા માટે થયો? તે અંગે મહેશ કંઇ જણાવી શકયો નહોતો. બાદમાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ત્રણેય આરોપીઓના સીસીટીવી ફૂટેજ મળ્યા

રાજકોટ દોડી આવેલા ડીવાયએસી શ્રી એલ. બી. મોણપરાએ જણાવ્યું હતું કે આરોપી ચેતન અગાઉ પણ હત્યાની કોશિષના ગુનામાં પણ સંડોવાઇ ચુકયો છે. તે તથા બીજા બે શખ્સો બાઇક પર ત્રણ સવારીમાં આવતાં હોય તેવા સીસીટીવી ફૂટેજ મળ્યા છે. હત્યાનું કારણ હજુ બહાર આવ્યું નથી. આરોપી ઝડપાયા બાદ સાચી વિગતો બહાર આવશે. (૧૪.૬)

(12:00 pm IST)