Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

મહુવામાં ચાલતી ભાગવત કથામાં રામ મંદિર માટે મોરારીબાપુએ અપીલ કરતા ૧૬.૮૦ કરોડનું દાન મળ્યું

દાનમાં અમેરિકાથી ૩.પ૧ લાખ યુકેથી ર.૮૦ લાખ રૂપિયાનું દાન મળ્યું છે : હજુ આંકડો વધી શકે.

ભાવનગર :ભાવનગરના મહુવા ચાલી રહેલ મોરારી બાપુની ઓનલાઇન કથામાં શ્રોતાઓ દ્વારા રામ મંદિર નિર્માણમાં 16 કરોડ 80 લાખનું અનુદાન આવ્યું છે. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી રામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેરાત બાદ શ્રોતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. વિદેશમાં વસતા શ્રોતાઓએ રામ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓએ રામ મંદિર નિર્માણ માટે અનુદાન કર્યું છે. મોરારીબાપુની ચાલી રહેલ કથામાં આજ સાંજ સુધીમાં રામ મંદિર નિર્માણમાં હજી દાનનો આંકડો વધી શકે છે.

તલગાજરડામાં હાલ મોરારી બાપુની ઓનલાઈન કથા ચાલી રહી છે. કથામાં મોરારી બાપુએ મંદિરના નિર્માણમાં 5 કરોડ રૂપિયા મોકલીશું તેવી જાહેરાત કરી હતી. જેના બાદ દાતાઓએ દિલ ખોલીને દાન કર્યું છે. આજે 16 કરોડની રકમ એકઠી થઈ ગઈ છે. મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે. તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે. ત્યારે આજે 5 કરોડના બદલે 16 કરોડની રકમ એકઠી થઈ ગઈ છે.

દુનિયાભરમાંથી રામ મંદિર માટે રૂપિયા દાનમાં આવ્યા છે. અમેરિકાથી 3 કરોડ 51 લાખ રૂપિયા આવ્યા છે. તો યુકેથી 2 કરોડ 80 લાખ રૂપિયા દાન થયું છે. ઉપરાંત યુરોપથી પણ દાતાઓએ દાન કર્યું છે. આમ કુલ અત્યાર સુધીમાં 16 કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ ગઈ છે.

(12:07 pm IST)