Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કચ્છના અલ-ઇરફાન વહાણનાં ૧૧ કુ-મેમ્બરો અઢી મહિનાથી ઇરાન જેલમાં

ઇદના તહેવારમાં ખલાસી પરિવારોમાં ગમગીની : સાંસદ વિનોદ ચાવડાના પ્રયાસોથી ખલાસીઓ મુકત થવાની પરિવારોમાં આશાઃ ભારતીય દૂતાવાસને ઇરાન તંત્રની ખાત્રી

ભુજ,તા.૧:ગત ૧૫ મે ના રોજે દુબઈથી ઇલેકટ્રોનિકસ માલ સામાન ભરીનેઙ્ગ કરાંચી જતાં માંડવીના અલ-ઈરફાન વહાણ ૧૧ ક્રુ મેમ્બરોને ઈરાન નેવીએ ચાંચિયાઓના પંજામાંથી તો મુકત કરાવ્યા પણ પછી તેઓને વહાણની ઇલેકટ્રોનિકસ આઈટમો સંદર્ભે ઈરાનની જેલમાં પુરી દીધા હતા.

આ સંદર્ભે કચ્છના વહાણવટી આગેવાનોએ સાંસદ વિનોદ ચાવડા સમક્ષ રજૂઆત કરી હતી. જે અંગે 'અકિલા' સાથે વાત કરતા મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, ઈરાન સ્થિત ભારતીય દુતાવાસ સમક્ષ તેમણે ૧૧ ક્રુ મેમ્બરો નિર્દોષ હોવાની અને તેમને જેલમાંથી મુકત કરાવવાની વિનંતી સાથે દરમ્યાનગીરી કરવા જણાવ્યું હતું.

જે સંદર્ભે ગત ૨૮ જુલાઈએ તેમને ઈ મેઈલ દ્વારા ભારતીય દુતાવાસનો ઈરાનથી જવાબ મળ્યો હોવાનું જણાવ્યું છે. જેમાં ઈરાન નેવીએ કાસીમ શહેરની જેલમાં પુરાયેલા ૧૧ ક્રુ મેમ્બરો નિર્દોષ હોવાની વાતને સ્વીકારી છે. હવે ટૂંક સમયમાં જ આ ખલાસીઓ મુકત થશે એવી આશા સાંસદ વિનોદ ચાવડાએ વ્યકત કરી આ ખલાસીઓ જલ્દી વતન ભારત પાછા ફરે તે સંદર્ભે પોતે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.

ઈદ દરમ્યાન ગમગીની અનુભવતા કચ્છના સલાયાના વહાણવટી પરિવારોમાં ખલાસીઓ 'મુકત' થવાના પ્રયાસોને પગલે આશાનો સંચાર થયો છે.

(11:22 am IST)