Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

મોરબીના ગુંગણ ગામમાં સાંથણીની જમીન ઉપર માથાભારે તત્વોનો કબ્જો-ધમકીથી કંટાળી પ વ્યકિતનો આત્મવિલોપનનો પ્રયાસ

 મોરબી, તા. ર :  મોરબીના ગુંગણ ગામે માથાભારે તત્વો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય જેથી કંટાળી ગયેલા પાંચ વ્યકિતઓએ જીલ્લા કલેકટર અને એસપીને લેખિત રજૂઆત કરી હતી અને આજે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હોય જેથી કલેકટર કચેરીએ સવારથી પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

મોરબીના ગુંગણ ગામના રહેવાસી જાદવ જગજીવનભાઇ લખમણભાઇ, મણીબેન લખમણભાઇ જાદવ, નાનજીભાઇ ખેંગારભાઇ પરમાર, મહેશભાઇ ધનજીભાઇ જાદવ અને મુકેશ ધનજી જાદવએ પાંચ વ્યકિતઓને સરકાર દ્વારા સાંથણીમાં મળેલી જમીન પર માથાભારે તત્વોએ કબજો જમાવ્યો હોય અને ધમકીઓ આપતા હોય જેથી ડરી ગયેલા તેમજ કંટાળી ગયેલા પાંચ લોકોએ આજે કલેકટર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

જેના પગલે જીલ્લાના ઉચ્ચ પોલીસના સ્ટાફ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કલેકટર કચેરીએ ગોઠવી દેવાયો હતો અને આ પાંચ લોકો આત્મવિલોપન કરવા પહોંચે તે પૂર્વે જ મોટી સંખ્યામાં ટોળા એકત્ર થયા હતાં અને પાંચ પૈકીના બે લોકો હાથમાં જલદ પદાર્થ સાથે પહોંચતા તુરંત પોલીસની ટીમે અટકાયતમાં લીધા હતાં.

આત્મવિલોપનના નિષ્ફળ પ્રયાસ બાદ આ લોકોએ આગેવાનને સાથે રાખીને કલેકટર સાથે બેઠક કરી હતી જેમાં નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવાનો કલેકટરે ભરોસો આપ્યો હતો અને હાલ પૂરતો મામલો થાળે પડયો છે. (૮.૧પ)

 

(3:40 pm IST)